આગ ઝરતી ગરમી : તાપમાનમાં સતત વધારો થતાં શહેરીજનો ત્રસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આગ ઝરતી ગરમી : તાપમાનમાં સતત વધારો થતાં શહેરીજનો ત્રસ્ત
- બપોરના સુમારે બજારો સુમસામ : આખો દિવસ બફારાથી લોકો પરસેવે રેબઝેબ

અમરેલીમાં તાપમાનનો પારો ઉંચકાતા કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે. આજે પણ શહેરનુ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયુ હતુ. બપોરના સુમારે આકરા તાપના કારણે બજારો પણ સુમસામ બની ગઇ હતી. આ ઉપરાંત આખો દિવસ બફારાના કારણે પણ લોકો અકળાઇ ઉઠયા હતા. કાળઝાળ ગરમીથી બચવા બપોરના સુમારે લોકોએ ઘરમા રહેવાનુ જ પસંદ કર્યુ હતુ. આકરો તાપ અને લુના કારણે લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. અમરેલીમા આમેય ઉનાળામા ઘણી વખત રાજયમા સૌથી ઉંચુ તાપમાન નોંધાઇ છે. તો શિયાળામા પણ કાતિલ ઠંડી પડે છે.

અમરેલીમા ઉનાળાની શરૂઆતથી જ તાપમાનમા સતત વધારો થતો જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા તાપમાન છેક ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. આગ ઝરતી ગરમીના કારણે લોકો ત્રસ્ત બની ગયા હતા. આજે પણ શહેરનુ મહતમ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન ૨૭ ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ ૮૭ ટકા નોંધાયુ હતુ. અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ ૧૦.૬ કિમીની રહી હતી. પાછલા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ઉંચો રહેતો હોય આકરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે.

બપોરના સુમારે ગરમ લુ અને આકરા તાપથી બચવા લોકોને ટોપી, ચશ્મા અને મોં પર રૂમાલ બાંધીને નીકળવુ પડે છે. આખો દિવસ આકરી ગરમી અને બફારાના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા. બપોરના સુમારે ઠંડાપીણાની લારીઓ તેમજ દુકાનોમા લોકોની ભીડ પણ જોવા મળી હતી. બપોરે સખત તાપના કારણે લોકો ઘરમા રહેવાનુ જ પસંદ કરી રહ્યાં છે. આખો દિવસ બફારો સહન કર્યા બાદ રાત્રીના સમયે લોકો માર્ગ પર લટાર મારતા પણ જોવા મળી રહ્યાં હતા. હવે તો લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.