રાજુલાનાં ભટ્ટવદરથી ગઢડા સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની પદયાત્રા યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોટી સંખ્યામાં હરિભકતો યાત્રામા જોડાશે : તડામાર તૈયારીઓ

સ્વામીનારાયણ સત્સંગ સમાજ દ્વારા ભટ્ટવદરથી ગઢપુર સુધીની એક પદયાત્રાનુ તા. ૨૭મીએ આયોજન કરવામા આવ્યુ છે. આ પદયાત્રામાં સ્વામીનારાયણના સંતો, હરિભકતો મોટી સંખ્યામા જોડાશે. આ માટે હરિભકતો દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. પદયાત્રા અંતર્ગત તા. ૧૨ના રોજ સાવરકુંડલા સ્વામીનારાયણ મંદિર ખાતે સો જેટલા ગામોના હરિભકતોની એક સભાનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.સ્વામીનારાયણ સત્સંગ સમાજ દ્વારા આયોજિત પદયાત્રાનુ તા. ૨૭મીના રોજ રાજુલા તાબાના ભટ્ટવદરથી પ્રસ્થાન થશે આ યાત્રા વાવેરા, ઘાંડલા, ભમ્મર, ગાધકડા, પીઠવડી, ધાર, કેરાળા, જુના સાવર, ભેંસાણ, હાથીગઢ, લાઠી, પીપળવા, ઢસા, માલપરા થઇને ગઢડા ખાતે સંપન્ન થશે. પદયાત્રામાં મોટી સંખ્યામા સત્સંગીઓ જોડાશે.

પદયાત્રાનુ આયોજન અને તૈયારીઓ ગઢડાના કોઠારી સ્વામી, એસ.પી.સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિરના પુર્વ ટ્રસ્ટી ગોરધનભાઇ કાનાણી દ્વારા કરવામા આવ્યુ છે. ભટ્ટવદર ગામ અને સ્વામીનારાયણ ભગવાનની પ્રસાદીનુ ગામ છે. ભગવાન પોતે અહી વનવિચરણ દરમિયાન દરબાર નાગપાલ વરૂને ઘરે પધાર્યા હતા. અને ગઢડાથી શ્રીજી મહારાજ દાદા ખાચરની જાન લઇ સ્વયં રથ ચલાવીને આવેલા.તે જ માર્ગ પર સંપ્રદાયના ઇતિહાસમા પ્રથમ વખત આ પદયાત્રા યોજાનાર હોય સત્સંગીઓમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રા દરમિયાન સંપ્રદાયના સંતો જ્ઞાનપ્રકાશનંદજી, ઘનશ્યામવલ્લભદાસજી, એસ.પી.સ્વામી, હરિચરણ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, ભકિતપ્રસાદ સ્વામી વિગેરે પણ જોડાશે. સમગ્ર કાર્યક્રમનુ સંકલન છપૈયા સ્વામી, હરિનંદન સ્વામી અને ગોરધનભાઇ કાનાણી દ્વારા કરવામા આવી રહ્યું છે.