ગુજજુ ભેજાબાજ વિદ્યાર્થીઓનું કમાલ, ઇંધણ વગર ચાલતી કાર બનાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમરેલીનાં વિદ્યાર્થીઓની ત્રણ મહિનાની મહેનત રંગ લાવી : એક વખત ચાર્જીગ થયા બાદ ૪૫ કિમી ચાલે છે

વર્તમાન સમયમાં પેટ્રોલ, ડિઝલ તેમજ ગેસના ભાવો દિવસે દિવસે વધતા જાય છે. આ ઉપરાંત ઇંધણોથી ચાલતા વાહનોના કારણે વાતાવરણમાં ભયંકર પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. જેનાથી પર્યાવરણને પણ ખાસ્સુ નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે અમરેલીમાં આવેલ ડૉ. જીવરાજ મહેતા પોલીટેકનીકના મિકેનીકલ વિભાગના ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ સૌરઉર્જાથી ચાલતી કાર બનાવી છે.

અમરેલીમાં ડૉ. જીવરાજ મહેતા પોલીટેકનીકના વર્કશોપ સુપ્રિટેન્ડેન્ટ આર.એમ.જાની તેમજ ઇન્સ્ટ્રકટર આર.એસ.મકવાણા, એન.કે.શુક્લા, એચ.વી.મકવાણા, એન.બી.રાઠોડ, ડી.એચ.મકવાણાના માર્ગદર્શન તળે મિકેનીકલ વિભાગના ફાઇનલ યરના અગિયાર વિદ્યાર્થીઓએ મળી સૌરઉર્જાથી ચાલતી કાર બનાવી છે. વિદ્યાર્થીઓએ સતત ત્રણ મહિના સુધી મહેનત કરી આ કારનું નિર્માણ કર્યું છે.

મિકેનીકલ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે આ કાર બનાવતા ત્રણેક મહિના જેટલો સમય લાગ્યો છે. કાર અને સ્કુટરના વેસ્ટેજ મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌરઉર્જાથી ચાલતી કાર બનાવવા માટે રૂ. ૩૫ હજાર જેટલો ખર્ચ થયો હતો. આ કાર એક વખત ચાર્જ થયા બાદ ૪૫કિમી જેટલી ચાલે છે. અને તેની ગતિ પણ ૩૫ થી ૪૦ કિમી પ્રતિ કલાક રહે છે.

આ કારમાં સૌરઉર્જાનુ વિધ્યુત ઉર્જામાં રૂપાંતર કરી બેટરીમાં સંગ્રહ થાય છે. અને વિધ્યુત ઉર્જાનું મીકેનીકલ ઉર્જામાં ચેઇન ડ્રાઇવ દ્વારા રૂપાંતર થાય છે. આ કાર બજારમાં મુકવી હોય તો અંદાજિત ૮૦ હજાર રૂપિયાનો ખર્ચ લાગે. મીકેનીકલના વિદ્યાર્થીઓ રવિ પરમાર, ચિંતન પોપટ, બીપીન દાફડા, વિપુલ ચૌહાણ, પારસ કથીરીયા, વિમલ ભાલાળા, આકાશ જોષી, મિલન ધાંધલીયા, વિજય માંગુકીયા, ગુંજન પટેલને સૌરઉર્જાથી ચાલતી કાર બનાવવામાં સફળતા મળી છે.

- ધુમાડાના પ્રદુષણમાંથી મુક્તિ

સૌરઉર્જાથી ચાલતી આ કારથી ધુમાડામાંથી મુકિત મળે છે. અને પર્યાવરણને પણ નુકશાન થતુ અટકાવી શકાય. પેટ્રોલ, ડઝિલ અને ગેસના ભાવો પણ વધે છે. ત્યારે તેના ખર્ચમાંથી પણ મુકિત મળી શકે.