બાબરા સરકારી દવાખાનામાં અપુરતા સ્ટાફથી દર્દીઓ બેહાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - દવાખાનામાં દર્દીઓ)

-લાખો રૂપિયાના સાધનો ટેકનીશ્યનોના અભાવે ધૂળ ખાય છે

બાબરા: બાબરામા આવેલ એકમાત્ર સરકારી દવાખાનામાં અપુરતા સ્ટાફના કારણે દર્દીઓને આરોગ્યની પુરતી સગવડતા મળી શકતી નથી જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ પ્રશ્ને સ્થાનિક આગેવાન દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરવામા આવી છે. શહેરમાં આવેલ સરકારી દવાખાનામા પાછલા કેટલાક સમયથી એક જ ડોકટર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા અહી સ્ટાફની નિમણુંક કરવામા નથી આવતી. સરકારી દવાખાનામા લાખો રૂપિયાના સાધનો ટેકનીશ્યનોના અભાવે ધુળ ખાઇ રહ્યાં છે.

તાલુકાના 58 ગામોમાંથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો અહી સારવાર લેવા માટે આવે છે. પરંતુ અહી માત્ર એક જ તબીબ હોવાના કારણે લોકોએ પુરતી આરોગ્યની સુવિધાઓ મળી શકતી નથી જેના કારણે નાછુટકે લોકોને વધુ પૈસા ખર્ચીને ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા માટે જવુ પડી રહ્યું છે. સ્થાનિક આગેવાન નરેન્દ્રભાઇ રાવળ દ્વારા મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દે રજુઆત કરવામા આવી હતી. સરકાર દ્વારા અહી 50 બેડની સુવિધા પણ મંજુર કરી છે. અહી સાત ડોકટરોના સેટઅપ સામે હાલ માત્ર એક જ ડોકટર સેવા બજાવી રહ્યાં છે. જેના કારણે દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે પુરતા સ્ટાફની નિમણુંક કરવામા આવે તેવી માંગણી ઉઠી છે.