અમરેલી જિલ્લા પંચાયતની ખુલ્લી કારોબારીનું ફીંડલું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રથમ બેઠક જ બંધ બારણે બોલાવાતા અનેક ચર્ચાઓ ઉઠી: કેન્સરના ૧૪૩ દર્દીઓને સહાય મંજૂર કરાઇ
- કારોબારી બેઠકમાં ૭૬ હજાર ચોરસ મીટર જમીન બીનખેતી કરાઇ


અમરેલી જિલ્લા પંચાયતમાં વર્તમાન સત્તાધીશો દ્વારા અત્યાર સુધી ખુલ્લી કારોબારી બેઠક બોલાવવામાં આવતી હતી પરંતુ કારોબારી ચેરમેન બદલાતાની સાથે જ ખુલ્લી કારોબારીનું ફીંડલુ વાળી દેવાયુ છે. આજે મળેલી કારોબારી સમિતીની બેઠકમાં રહેણાંક અને ઔધ્યોગીક હેતુ માટે મળી ૭૬૨૯૩ ચોરસ મીટર જમીન બીનખેતી કરવાને મંજુરી આપી દેવાઇ હતી. ચેરમેન તરીકે હંસાબેન હિરપરાએ ચાર્જ સંભાળ્યા બાદ આજે કારોબારીની પ્રથમ બેઠક હતી. અને આ પ્રથમ બેઠક જ બંધ બારણે બોલાવાતા અનેક ચર્ચાઓ ઉઠી હતી.

અમરેલી જીલ્લા પંચાયતના વર્તમાન સત્તાધિશો દ્વારા પારદર્શક વહીવટની ખાતરી અપાયા બાદ હવે અચાનક જ હવે પારદર્શક વહીવટને સગવડીયો બનાવી દેવાયો છે. જીલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. અત્યાર સુધી કારોબારી ચેરમેન પદે શરદભાઇ લાખાણી હતાં. વર્તમાન સત્તાધિશોએ સત્તા સંભાળ્યા બાદ શરદભાઇ લાખાણી દ્વારા કારોબારીની દરેક બેઠક ખુલ્લામાં જ બોલાવવામાં આવી હતી.

જેમાં આમંત્રીતો અને જાહેર જનતા સમિતીનો વહીવટ જોઇ શકતી હતી. પરંતુ કારોબારી ચેરમેન તરીકે હંસાબેન મયુરભાઇ હિરપરાની વરણી થયા બાદ આજે સમિતીની પ્રથમ બેઠકમાં જ ખુલ્લી કારોબારીનો ઉલાળીયો કરી દેવાયો હતો. આજે બપોરે કારોબારી સમિતીની બેઠક જીલ્લા પંચાયતના સભાખંડમાં બંધ બારણે મળી હતી.

આ બેઠકમાં ગત કારોબારીની કાર્યવાહીને બહાલી આપ્યા બાદ રહેણાંક હેતુ માટે ૩૦૫૩૩ ચોરસ મીટર, વાણિજ્ય હેતુ માટે ૪૬૫૪ ચોરસ મીટર તથા ઔધ્યોગીક હેતુ માટે ૪૧૧૦૬ ચોરસ મીટર મળી કુલ ૭૬૨૯૩ ચોરસ મીટરને બિનખેતી કરી દેવાની મંજુરી અપાઇ હતી. કારોબારી સમિતી દ્વારા બિનખેતીના આઠ કેસોને મંજુરી અપાઇ હતી.

આ ઉપરાંત કેન્સરના ૧૪૩ દર્દીઓને ૧૪.૩૦ લાખની સહાય પણ મંજુર કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જીલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઇ ભેડાના માતુશ્રી તથા વિપુલભાઇ શેલડીયાના દાદાનું અવસાન થયુ હોય બે મીનીટ મૌન પળાયુ હતું.

આજની બેઠકમાં ધારાસભ્ય વી.વી. વઘાસીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ માયાણી, સમિતીના સદસ્ય શરદભાઇ લાખાણી, વિજયભાઇ યાદવ, હંસાબેન પીઢડીયા, રામભાઇ સાનેપરા અને કમલેશભાઇ કાનાણી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આજે કારોબારીની પરંપરા તોડાતા તથા મોટા પ્રમાણમાં જમીનની બિનખેતીને મંજુરી અપાતા ખાસ્સી ચકચાર જાગી હતી.

- મહિલા પ્રમુખ માટે સંચાલન કરવું અઘરૂ-લુલો બચાવ

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ માયાણીએ આજે આ બારામાં જણાવ્યુ હતું કે કારોબારીના ચેરમેન મહિલા હોય અને જાહેરમાં મીટિંગનું સંચાલન કરવું તેમના માટે અઘરૂ હોય ખુલ્લી કારોબારી બોલાવાઇ ન હતી. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે બે-ચાર બેઠકોનો તેમને અનુભવ થયા બાદ ફરી ખુલ્લી કારોબારી બોલાવાશે.