અખાત્રીજે પશ્ચિમ અને વાયવ્યનાં પવનથી સારા ચોમાસાના સંકેત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વચ્ચેના સમયમાં નૈઋત્યનો પવન ફુંકાતા ખંડવૃષ્ટિની પણ શક્યતા

આજે અખાત્રીજના દિવસે વરસાદના વરતારા માટે કઇ દિશામાંથી પવન વાય છે ? તે જાણવા માટે ધરતીપુત્રો, જાણકારો સહિત સૌ કોઇને ઇંતેજારી હતી તે આજે વહેલી સવારના આથમણા અને વાયવ્ય તરફના પવને ખુશીમાં ફેરવી છે. તેમ છતા નૈઋત્યનો પવન પણ વાયો હોય ખંડવૃષ્ટિની પણ શક્યતા જણાઇ છે.

વર્ષોથી અખાત્રીજના પવન અંગેનું મહત્વ રહ્યું છે. ત્યારે આજના અખાત્રીજના દિવસે પવનનો રૂખ પશ્ચિમથી પુર્વ રહ્યો હતો. આમ સુર્ય ઉદયની સામે પવન જાય તે અંગે વનરાજી ખીલી ઉઠે તેવો વરતારો થાય છે. અમુક સમયે પવન વાયવ્ય દિશામાંથી અગ્નિ દિશા તરફ પણ વાયો હતો. જેથી સારા વરસાદના પણ અણસાર મયા છે.

પરંતુ વચ્ચે વચ્ચે નૈઋત્ય દિશામાંથી પવન શરૂ રહેતા અમુક જગ્યાએ ખંડવૃષ્ટિ થવાની શક્યતા પણ જણાઇ રહી છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર સવારે ૩ થી ૬ સમય દરમિયાન મોટેભાગે પવનનો રૂખ પશ્ચિમમાંથી પુર્વ તરફ રહ્યો હતો. તેથી વનરાજી ખીલી ઉઠે તેવો વરતારો થાય છે.

નૈઋત્ય તરફથી વાતા પવનને કારણે ચોમાસાના મધ્યભાગમાં વરસાદ ખેંચાય તેવી શક્યતા જણાઇ રહી છે. પરંતુ હોળીની જાળ અને ચૈત્રી દનૈયાના વરતારા હકારાત્મક રહેતા એકંદરે ચોમાસુ સારૂ રહેવાની શક્યતા છે. ઉપરાંત ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અષાઢી બીજ ગાજી હોવાથી ત્યાં સવાયુ વર્ષ રહેશે.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં નૈઋત્યનો પવન વધારે રહેતા શ્રાવણ મહિનો વરસાદ ખેંચે તેવુ જણાઇ રહ્યું છે. વધુમાં કુદરતી સંકેતો જેવા કે બોર પાકવા, વૃક્ષાેમાં મોર આવવા તેમજ અલનીનોના પ્રવાહો અનુકુળ રહેતા એકંદરે ચોમાસુ સારૂ રહેશે. સવારે ૪ થી ૬ દરમિયાન ઝાંકળના બિંદુઓએ પણ ધરતીને ભીંજવી હતી. ત્યારે પાક અને પાણીની ઉત્પતી સારી રહે તેવી શ્રધ્ધા રાખીએ.