ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, ગોલા, તડબૂચના ધંધામાં તડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમરેલીમાં આકરો તાપ અને બફારાથી લોકો ત્રસ્ત
-ગરમીનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે : બપોરના સુમારે બજારો પણ સુમસામ

અમરેલીમાં ગરમીનો પારો સતત ઉંચો રહેતો હોય કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. આજે પણ શહેરનુ તાપમાન ઉંચુ રહેતા આખો દિવસ આકરી ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા. બપોરબાદ આકાશમા થોડા વાદળો પણ દેખાયા હતા. આકરી ગરમી અને બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. સાંજના સુમારે થોડો પવન ફુંકાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પાછલા બે દિવસથી અમરેલીમાં જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય લોકો ત્રસ્ત બની ગયા છે. ગરમીનો પારો સતત ઉંચે જ ચડી રહ્યો હોય લોકો અકળાઇ ઉઠયા છે. સવારથી જ લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. બપોરના સુમારે આકરા તાપથી બજારો પણ સુમસામ ભાસી રહી હતી. થોડા દિવસ પહેલા જિલ્લાના અનેક સ્થળો માવઠુ થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. જો કે બાદમાં ગરમીનો પારો ઉંચે ચડતા જ લોકો તોબા પોકારી ઉઠયાં છે.
બે દિવસ પહેલા ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો હતો. હજુ પણ આગામી દિવસોમા આકરી ગરમી પડવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. બપોરના સુમારે આકરી ગરમી પડતા લોકો ટોપી, ચશ્મા અને મો પર રૂમાલ બાંધીને નીકળતા નજરે પડયા હતા. તો ગરમીમાંથી રાહત મેળવવા લોકો ઠંડાપીણાનો સહારો લેતા નજરે પડી રહ્યાં હતા. આજે વાતાવરણમાં બફારો પણ જોવા મળ્યો હતો જેના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આખો દિવસ આકરી ગરમી સહન કર્યા બાદ રાત્રીના સમયે લોકો બજારોમાં લટાર મારવા નીકળી પડયા હતા.

આગળ જુઓ વધુ તસવીરો