તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમાકેદાર એન્ટ્રી, રાજુલા પંથકમાં મોસમનો સૌથી વધુ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાબરામાં પણ સાડા અગીયાર ઇંચ કુલ વરસાદ : લાઠી,જાફરાબાદ પંથકમાં અત્યાર સુધીમાં ૩૦ ટકા વરસાદ

અમરેલી જિલ્લામાં ચાલુ સાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વરસાદનો પ્રથમ રાઉન્ડ જોરદાર રહેતા ધરતીપુત્રો ખુશખુશાલ છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પ્રથમ રાઉન્ડમાં જ સંતોષકારક વરસાદ પડી ગયો હતો. અત્યાર સુધીમાં જીલ્લામાં સૌથી વધુ વરસાદ રાજુલા તાલુકામાં ૧૬ ઇંચ જેટલો નોંધાયો છે. આવી જ રીતે બાબરા તાલુકામાં પણ સાડા અગીયાર ઇંચ વરસાદ નોંધાયો છે. આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હોય તેવા અન્ય બે તાલુકા લાઠી અને જાફરાબાદ છે. જ્યાં નવ-નવ ઇંચ વરસાદ પડી ગયો છે.

મોસમનો પ્રથમ વરસાદ જ જોરદાર પડી જાય તો સ્વાભાવીક રીતે જ ખેડૂતોની ખુશીનો કોઇ પાર ન રહે. ગત વર્ષે અમરેલી જીલ્લામાં શરૂઆતથી જ ચોમાસાના લક્ષણ નબળા હતાં. જેથી તેનાથી ઉલ્ટુ ચાલુ સાલે શરૂઆતથી જ ચોમાસાના લક્ષણ સારા છે. ઓણ સાલ ચોમાસુ વહેલુ તો બેઠુ જ છે સાથે સાથે જ પ્રથમ રાઉન્ડ પણ વરસાદથી ભરપુર રહ્યો છે. ખાસ કરીને રાજુલા તાલુકામાં મેહુલીયાની વિશેષ મહેરબાની રહી છે.

રાજુલા તાલુકામાં આજદિન સુધીમાં ૧૬ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જે મોસમના કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં અડધાથી પણ વધુ છે. જો કે આટલા ભારે વરસાદ બાદ પણ આ વિસ્તારના જળાશયોમાં હજુ પાણીની જોરદાર આવક થઇ નથી. પરંતુ આવનારા દિવસોમાં જળાશયો છલોછલ થાય તેવી આશા રખાઇ રહી છે. આવી જ સ્થિતિ બાબરા તાલુકામાં પણ જોવા મળે છે.

બાબરા પંથકમાં અત્યાર સુધીમાં ૨૮૯ મીમી એટલે કે સાડા અગીયાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ગયો છે. જે અહિં પડતા સરેરાશ વરસાદના ૪૦ ટકા જેટલો છે. રાજુલા ઉપરાંત જાફરાબાદ પંથકમાં પણ અત્યાર સુધીમાં નવ ઇંચ વરસાદ પડયો છે. તો લાઠી પંથકમાં પણ મોસમનો કુલ વરસાદ નવ ઇંચ થયો છે. જે બન્ને તાલુકાના સરેરાશ વરસાદની સરખામણીમાં ૩૦ ટકા જેટલો વરસાદ છે.