ખાંભા મનરેગા કૌભાંડમાં અપાયા તપાસનાં આદેશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે વર્ષથી ઠેર ઠેરથી આવેલી રજૂઆતોને પગલે ડીડીઓ દ્વારા હુકમ

ખાંભા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી હોવાની લાંબા સમયથી ઉઠેલી ફરીયાદને પગલે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ એક વખત તપાસના નામે કૌભાંડનું ફીંડલુ વાળી દેવાયા બાદ હવે આ કેસમાં ફરી તપાસ શરૂ થતા અનેક સરકારી બાબુઓના તપેલા ચડી જવાની શક્યતા જોવાઇ રહી છે.

મનરેગા યોજના આમ આદમીને રોજી રોટી મળે તે માટે અમલમાં મુકાઇ છે. પરંતુ ખાંભા તાલુકામાં સરકારી બાબુઓ અને રાજકીય આગેવાનોએ સાથે મળી કૌભાંડ આચરી આ યોજનાના મુળ હેતુને જ મારી નાખ્યો હતો. ત્રણેય વર્ષ પહેલા ખાંભા શહેરમાં આ યોજના હેઠળ કરવામાં આવેલા કામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી હોવાની ફરીયાદ ઉઠી હતી. ગીર નેચર યુથ ક્લબના ભીખુભાઇ બાટાવાળાએ મનરેગા કૌભાંડ અને બોગસ જોબકાર્ડ અંગે ઉચ્ચ કક્ષાની તપાસ માંગી હતી.

જો કે જે તે સમયે લાઠીના ટીડીઓને તપાસ સોંપી સમગ્ર કૌભાંડનું ફીંડલુ વાળી દેવાયુ હતું. આમ છતાં ભીખુભાઇ બાટાવાળા તથા અન્ય રજુઆતકર્તાઓએ આ કૌભાંડ સામેની લડત બે વર્ષથી ચાલુ રાખી હતી. જેને પગલે આ રજુઆતોમાં તથ્ય જણાતા જીલ્લા વિકાસ અધિકારી વિ.સી. શર્મા દ્વારા મનરેગા યોજનામાં થયેલી ગેરરીતી અંગે તપાસનો આદેશ કરાયો છે. શરૂઆતના તબક્કે જે તે સમયના તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર એચ.આર. જોષી સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ યોજના હેઠળ પુર સંરક્ષણ દિવાલનું કામ કરવામાં આવ્યુ હતું. પરંતુ આ દિવાલના કામમાં મજુરોનો ઉપયોગ કરી તેને રોજીરોટી આપવાના બદલે મશીનથી કામો કરવામાં આવ્યા હતાં. એટલુ જ નહી આ કામો મજુરો પાસે કરાવવામાં આવ્યા હોવાનું ખોટુ રેકર્ડ ઉભુ કરાયુ હતું.

આ પ્રકારે અનેક કામોમાં કાગળ પર ખોટુ રેકર્ડ ઉભુ કરી સમગ્ર યોજનાનો જ હેતુ મારી નાખવામાં આવ્યો હતો. સ્વાભાવીક રીતે જ આ કૌભાંડમાં ઉપરથી નીચે સુધીની ચેનલ કામ કરતી હતી. આમ છતાં આ કૌભાંડમાં હજુ અનેક માથાઓને બાકાત રાખ્યા હોવાનું કહેવાય છે. ખાંભા તાલુકામાં આ કૌભાંડમાં સીમેન્ટની ખરીદી, સીમેન્ટનો વપરાશ, રેતી, કપચીની ખરીદી વગેરેમાં સરકારી નિતી નિયમોના છોતરા ઉડાડવામાં આવ્યા હતાં. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આ બારામાં એચ.આર. જોષીનો ત્રીસ દિવસમાં ખુલાસો પણ પુછાયો છે.

- તલાટી અને સરપંચ સામે પણ પગલાં લો

આ કૌભાંડ અંગે જુદા જુદા સ્તરે વારંવાર રજુઆતો કરનાર ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે આ કૌભાંડમાં માત્ર ઓવરસીયર નહી તત્કાલીન સરપંચ, તલાટી સહિત અનેક સંડોવાયેલા છે. જે તમામની સામે તટસ્થ તપાસ કરી પગલા લેવાવા જોઇએ.

- સિમેન્ટનો વપરાશ ચાર ગણો બતાવી દેવાયો

ખાંભામાં મનરેગા યોજનાના કામ દરમીયાન જે સિમેન્ટ કોંક્રીટ મીક્ષર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો તેની ક્ષમતા જ દરરોજ ૧૨૦ થેલી સિમેન્ટના વપરાશની હતી. તેની સામે દરરોજ ૪૮૦ થી ૫૪૦ થેલી સિમેન્ટનો વપરાશ બતાવી દેવાયો હતો. આ મશીન નોનસ્ટોપ ૨૪ કલાક ચાલે તો પણ આટલો વપરાશ ન થઇ શકે.