રાજુલા:પાંચ દિવસમાં કામ ન થાય તો રેલી સાથે આવેદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સાફસફાઇ માટે ગટરના પાઇપો બહાર કાઢયા બાદ પાલિકા ફિટ કરતી નથી
- આક્રોશ : રાજુલા વોર્ડ નં-૭માં ખડકાયા ગંદકીના ગંજ રોગચાળાની ભિતીરાજુલામાં વોર્ડ નં-૭મા શ્રીજીનગર સોસાયટી પાસે પાલિકા દ્વારા ગટરોના પાઇપો સાફસફાઇ કરવા માટે થોડા દિવસ પહેલા બહાર કાઢવામા આવ્યા હતા. પરંતુ બાદમાં આ પાઇપો ફિટ કરવામા ન આવતા હાલ ગંદકીના કારણે રહિ‌શો તોબા પોકારી ઉઠયાં છે. પાલિકા દ્વારા બે દિવસમા આ પાઇપ ફિટ કરી દેવાનુ જણાવ્યુ હતુ. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામા ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.વોર્ડ નં-૭મા નગરપાલિકા દ્વારા વીસેક દિવસ પહેલા ગટરોના પાઇપ સાફસફાઇ કરવા બહાર કાઢવામા આવ્યા હતા. બાદમાં આ પાઇપ ફરી ફિટ કરવામા ન આવતા રહિ‌શો દ્વારા પાલિકામાં રજુઆત કરવામા આવી હતી. ત્યારે સતાધીશોએ આ પાઇપો બે દિવસમા ફિટ કરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી આ પાઇપો ફિટ કરવામા ન આવતા આખો દિવસ ભારે દુર્ગધના કારણે લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયાં છે.

હાલ ખુલી ગટરના કારણે આ વિસ્તારમાં ઘરેઘરે માંદગીના ખાટલાઓ ઢળાયા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શા માટે આ વોર્ડમા વિકાસના કામો કરવામા નથી આવતા તેવા સવાલો પણ રહિ‌શોએ ઉઠાવ્યા છે. ગત વર્ષે આ વિસ્તારમાં ગંદકીના કારણે ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો હતો.
અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા પાલિકા દ્વારા ગટરના પાઇપ ફિટ કરવામા ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાંચ દિવસમા કાર્યવાહી કરવામા નહી આવે તો રેલી અને આવેદનપત્ર સહિ‌તના કાર્યક્રમો કરવાની પણ લોકોએ ચિમકી ઉચ્ચારી છે.

શું કહે છે રહિ‌શો ?
આ વિસ્તારમાં રહેતા મુંજાલભાઇએ જણાવ્યુ હતુ કે ગટર અને ગંદકી દુર કરવામા પાલિકા નિષ્ફળ રહી છે. તો ગોવિંદભાઇ ચાંદોરાએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં ગટરનો પ્રશ્ન હલ નહી થાય તો મેલેરીયા સહિ‌ત રોગચાળો ફેલાવાની ભિતી સતાવી રહી છે. આ ઉપરાંત મહેશભાઇ રાઠોડે જણાવ્યુ હતુ કે આ વિસ્તારના પડતર પ્રશ્નો પાલિકા દુર ન કરે તો કંઇ નહી પરંતુ ગટરનો પ્રશ્ન દુર થાય તે જરૂરી છે.

પાલિકા માટે શરમજનક બાબત- વિરોધપક્ષના નેતા
વિરોધપક્ષના નેતા કનુભાઇ ધાખડાએ જણાવ્યુ હતુ કે આ ગટરનો પ્રશ્ન પાલિકા માટે શરમજનક બાબત છે. વોર્ડ નં-૭ને ઇરાદાપુર્વક વિકાસના કામોમાંથી બાકાત કરવામા આવે છે. ગંદકી પ્રશ્ને મહિ‌લાઓ દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆતો કરવામા આવે છે. પરંતુ કોઇ સાંભળતુ જ નથી.