અમરેલીમાં તાવમાં એક યુવાનનો ભોગ : ફરી ફફડાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્ર વામણું : જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી ઘર કરી ગયેલો રોગચાળાનો કહેર નવા વર્ષે પણ યથાવત
- પીઠવાજાડ ગામના યુવાનનું ત્રણ દિવસના તાવમાં મોત : શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ


અમરેલી જિલ્લામાં આમ તો પાછલા ત્રણ માસ કરતા વધુ સમયથી રોગચાળાએ માજા મુકી છે. ડેન્ગ્યુ અને કોંગોએ અત્યાર સુધીમા અનેક ભોગ લીધા છે. દિપાવલી બાદ નવા વર્ષમા પણ રોગચાળો અમરેલી જિલ્લાનો કેડો મુકતો નથી. જેના પરિણામે આજે અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામના એક યુવાનનુ તાવની માત્ર ત્રણ દિવસની ટુંકી બિમારીમાં મોત થયુ હતુ. શહેરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી હોવા છતા આરોગ્ય તંત્ર ઘોર બેદરકારી સેવી રહ્યું છે. અમરેલી જિલ્લામા આરોગ્ય તંત્ર કે નગરપાલિકા જેવી સંસ્થાઓની કામચોરીના કારણે આમ જનતાને ઘણુ ભોગવવાનુ આવ્યુ છે. ખાસ કરીને ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો હોવા છતા આ પ્રકારના દર્દીઓ રાજયભરમા જોવા મળે છે તેવી વાહિ‌યાત દલિલો સાથે રોગચાળાને ડામવા માટે કોઇ નકકર કામગીરી કરવામા આવતી નથી. પરિણામ એ આવ્યુ છે કે ડેન્ગ્યુનો રોગચાળો હજુ પણ અમરેલી જિલ્લામા કાળો કેર વર્તાવી રહ્યો છે.

ચોમાસાની સિઝનની શરૂઆત સાથે જ ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઇ હતી. ફલુ, ટાઇફોઇડ, મેલેરીયા અને ઝેરી મેલેરીયાના દર્દીઓથી દવાખાના ઉભરાયા હતા. શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યા તો હજારોમા હતી. પરંતુ સૌથી વધુ પીડા ડેન્ગ્યુના રોગચાળાએ આપી છે. ડેન્ગ્યુની સાથેસાથે કોંગો ફિવરે પણ અમરેલી જિલ્લામા ભયનુ વાતાવરણ સર્જી દીધુ હતુ. ડેન્ગ્યુ અને કોંગો ફિવરના કારણે અત્યાર સુધીમા અનેક લોકોના મોત થઇ ચુકયા છે ત્યારે હવે રોગચાળાના કારણે વધુ એક મોતનો મામલો સામે આવ્યો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામની સીમમા રહી ખેતીકામ કરતા જીતુ પ્રતાપભાઇ લાખણીયા (ઉ.વ.પ૦)નામના આદિવાસી ખેતમજુરને પાછલા ત્રણ દિવસથી તાવ આવતો હોય સારવાર માટે અમરેલીની સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવેલ જયા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. સાથી મજુર દુરસીંગ ધનસીંગ લાખણીયાએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી છે.

ડેંન્ગ્યુના દર્દીની સંખ્યા સૌથી વધુ

આજે રવિવારે પણ અમરેલી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ જોવા મળી હતી. આ દર્દીઓમા તાવના વાયરાની સાથેસાથે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમરેલી શહેરમા જ ડેન્ગ્યુના ૭૯ કેસ નોંધાયા છે.