દુકાનની તોડફોડ: આગજની અંગે ટોળા સામે ગુનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શુક્રવારે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ટોળાએ હથિયારો વડે બજારમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો
-રેલી બાદ કાર્યવાહી


અમરેલીમાં શુક્રવારે બે જુથ વચ્ચે અથડામણ બાદ બપોરે ૧પ થી ૨૦ જેટલા શખ્સોના ટોળાએ તલવાર, ધારીયા જેવા હથીયારો લઇ ખુલ્લેઆમ બજારમાં ભયનો માહોલ ફેલાવી પટેલ ફુલહાર નામની દુકાનમાં તોડફોડ કરી અને આગ લગાવી દોઢ લાખનું નુકશાન પહોંચાડયા અંગે પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ ન હોય ભારે ટીકા થઇ રહી હતી તેની વચ્ચે આજે સીટી પોલીસે દુકાનદારની અરજીના આધારે ૧પ થી ૨૦ શખ્સોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ કલેક્ટરને આવેદન આપી આ મુદે રજુઆત કરાઇ હતી.

સમગ્ર શહેરની બજારમાં ખુલ્લેઆમ હથીયારો સાથે નિકળી આંતક મચાવી ભયનો માહોલ સર્જી દેનાર ટોળા સામે આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. જીવાપરા નજીક જેશીંગપરા અને કસ્બાના બે જુથ વચ્ચે શુક્રવારે થયેલી અથડામણમાં એકનું મોત અને એકને ગંભીર ઇજા પહોંચ્યાની ઘટના બાદ આ ઘટના બની હતી. અથડામણની ઘટનાને પગલે ઉશ્કેરાયેલા મહેબુબ ઉર્ફે લંગડીબાપુ, ઉરખાન ઉર્ફે ખાન સહિ‌ત ૧પ થી ૨૦ જેટલા મુસ્લીમ શખ્સોનું ટોળુ ખુલ્લેઆમ હથીયારો લઇ શહેરની બજારમાં ફર્યુ હતું.

આ ટોળાએ ટાવર ચોકથી લઇ રાજકમલ ચોક સુધી હાથમાં તલવાર, ધારીયા, પાઇપ અને હોકી જેવા હથીયારો લઇ ચક્કર માર્યા હતાં. આજે પોલીસે આ બારામાં નોંધેલી ફરીયાદમાં જણાવાયુ છે કે આ ટોળુ હરીરોડના નાકે પટેલ ફુલહાર નામની દુકાને પણ ગયુ હતું. ટોળાએ સવારના સમયે દુકાનમાં તોડફોડ કરી નુકશાન કર્યુ હતું.

ત્યારબાદ આ ટોળુ રાત્રે સાડા નવેક વાગ્યે ફરી આ વિસ્તારમાં ફરી પટેલ ફુલહાર પર ગયુ હતું અને બહારનું ટેબલ સળગાવ્યુ હતું. એટલુ જ નહી દુકાનની અંદર પેટ્રોલ છાંટી આગ લગાડી આશરે રૂા. દોઢેક લાખનું નુકશાન કર્યુ હતું. આ બે ઘટના વખતે શહેરની બજારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો.

બલ્કે શહેરમાં પોલીસ અને એસઆરપીના ધાડેધાડા ઉતારી દેવાયા હોવા છતાં બન્યો હતો. ગઇકાલે જેશીંગપરામાંથી નિકળેલી રેલી દ્વારા આ મુદે આવેદન પણ અપાયુ હતું. ત્યારે સીટી પોલીસે આજે જ્યંતીભાઇ રામજીભાઇ જોગાણીની ફરીયાદ પરથી આખરે ટોળા સામે દંગલ મચાવવા સબબ ગુનો નોંધ્યો હતો.

પોલીસ સમક્ષ વિડીયો રેકોર્ડિંગપણ રજુ કરાયુ

જ્યંતીભાઇ જોગાણી દ્વારા પોલીસને અપાયેલી ફરીયાદની સાથે સાથે ઘાતક હથીયારો સાથે આ ટોળુ શહેરમાં ફરતુ હોવાના શુટીંગની સીડી પણ આપવામાં આવી છે. સીસીટીવી ફુટેજ ઉપરાંત આ ટોળાની ક્લીપ પણ સીડીમાં પોલીસને અપાઇ છે.

આરોપીઓને પકડવા પોલીસના દરોડા

દરમીયાન શુક્રવારના દંગલ અંગે હજુ એકપણ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હોય આજે સાવરકુંડલાના એએસપી કાર્તિ‌ક કશ્યપ, એલસીબી પીઆઇ આર.બી. દેવધા વિગેરે અધિકારીઓની ટુકડીઓ દ્વારા એક સાથે શહેરમાં અનેક સ્થળે દરોડા પાડી આરોપીઓની શોધખોળ કરાઇ હતી. જો કે આજે પણ એકેય આરોપી હાથમાં આવ્યો ન હતો.