તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દામનગરના છભાડિયામાં યુવતીને ભગાડી જનાર યુવકની સરાજાહેર હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવતીના પરિવારજનોએ ધારિયા અને કુહાડીના અસંખ્ય ઘા ઝીંકી પતાવી દીધો

દામનગર તાબાના છભાડીયા ગામે એક કોળી યુવાને ચાર માસ પહેલા ગામની કોળી યુવતીને ભગાડી જઇ પ્રેમલગ્ન કરી લીધા બાદ ગઇકાલે બન્ને ગામમાં પરત ફરતા ઉશ્કેરાયેલા યુવતીના કુટુંબીઓએ આજે કુહાડી અને ધારીયાના અસંખ્ય ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. યુવતની લાશ દામનગર દવાખાને ખસેડાતા મોડી રાત્રે અહિં લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. પોલીસે આ બારામાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દામનગરના છભાડીયા ગામે રમેશ કાંતીભાઇ મેર (ઉ.વ. ૨૭) નામના કોળી યુવકની આ ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. છભાડીયાના વિનુભાઇ પરશોતમભાઇ વનાણીયાની યુવા પુત્રી વૈશાલીને ચાર માસ પહેલા મૃતક યુવાન રમેશ ઉર્ફે ધમો ભગાડી ગયો હતો. બન્નેએ સીવીલ મેરેજ પણ કરી લીધા હતાં અને અત્યાર સુધી જુદા જુદા સ્થળે રહેતા હતાં. દરમીયાન બન્ને ગઇકાલે છભાડીયા ગામે પરત ફર્યા હતાં.

દરમીયાન એવું કહેવાય છે કે આજે સાંજે યુવતીના કુટુંબીજનોએ કુહાડી અને ધારીયા જેવા ઘાતક હથીયારોથી હુમલો કરી આ યુવકની હત્યા કરી નાખી હતી. યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે દામનગર દવાખાને ખસેડાતા પોલીસ પણ અહિં દોડી આવી હતી અને આ બારામાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન હિરા ઘસવાનું કામ કરતો હોવાનું અને મુળ ગારીયાધાર તાલુકાના વાવડી ગામનો હોવાનું તથા તેનો પરિવાર કેટલાક સમયથી છભાડીયામાં રહેતો હોવાનું જાણવા મળેલ છે.

- યુવતીના પિતાએ અગાઉ પોલીસને ફરિયાદ આપી હતી

એવું કહેવાય છે કે પોતાની પુત્રીને રમેશ ઉર્ફે ધમો ભગાડી જતા વિનુભાઇ પરશોતમભાઇ વનાણીયા પોલીસ ફરીયાદ કરવા માટે દામનગર પોલીસ મથકે દોડી ગયા હતાં. જોકે વૈશાલી પુખ્ત ઉંમરતી હોય પોલીસ કોઇ કાર્યવાહી કરી શકી ન હતી.