અમરેલી મિલ્ક ડે: રાષ્ટ્રના વિકાસમાં શ્વેતક્રાંતિનું પણ યોગદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડો. વર્ગીસ કુરિયનનાં 92માં જન્મ દિને અમરેલીમાં પશુપાલક મહિલા પ્રશિક્ષણ અને જાગૃતિ શિબિર યોજાઇ

અમરેલી: અમરેલીમાં રાષ્ટ્રીય દુધ દિનની ઉજવણી કરવામા આવી હતી. શ્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના 92માં જન્મદિન નિમીતે આ ઉજવણી કરવામા આવી હતી. અહી પશુપાલક મહિલા પ્રશિક્ષણ અને જાગૃતિ શિબીરનું આયોજન કરવામા આવ્યું હતુ. અમરેલીમાં વાહન વ્યવહાર અને પાણી પુરવઠા મંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પશુપાલક અને મહિલા પ્રશિક્ષણ અને જાગૃતિ શિબીરમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતુ કે શ્વેતક્રાંતિએ રાષ્ટ્રના આર્થિક તંત્રને ચેતનવંતુ બનાવ્યું છે. રાષ્ટ્રના વિકાસમાં ઔદ્યોગિક હરિયાળી અને શ્વેત ક્રાંતિનું ઘણું મહત્વ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે મહિલાઓને રાજય સરકાર દ્વારા સહાય મળતા મહિલાઓ આર્થિક રીતે પગભર બની સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. મહિલાઓને દુધ મંડળી શરૂ કરવા માટે જમીન તથા રૂ. 5 લાખની સહાય પણ આપવામા આવનાર છે.

આ તકે સામાજિક ન્યાય અધિકારીતાના સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે રાજય સરકારે મહિલાલક્ષી યોજનાઓ બનાવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં 50 ટકા તથા સરકારી નોકરીમાં 33 ટકા મહિલા આરક્ષણ જાહેર કરવામા આવેલ છે. આ તકે પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ અમર ડેરીની સ્થાપનાનો ઇતિહાસ તાજો કરી દુષ્કાળને પણ પશુપાલન પ્રવૃતિ દેશવટો આપી શકે તેમ જણાવ્યું હતુ.

અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે પશુપાલન એવો વ્યવસાય છે જે ગ્રામ્ય પ્રજાને સશકત કરી શકે. મંત્રીએ ઇન્દિરા આવાસ યોજના, પશુપાલક મહિલાઓને તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને ચેક, સુડા અને કાર્ડનુ વિતરણ કર્યુ હતુ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લાઇવ પ્રસારણથી મહિલા પશુપાલકોને સંબોધ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતુ. આ તકે કલેકટર અજયકુમાર, ડીડીઓ સુજીતકુમાર, પંકજ ઠાકર, ધારાસભ્ય વઘાસીયા, મનસુખભાઇ ભુવા, ભુપેન્દ્રભાઇ બસીયા, ભાવનાબેન ગોંડલીયા, અરૂણભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.