બજારમાં કેસર કેરીનું આગમન પણ ભાવ આસમાને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાલમાં કિલોના રૂ. ૭૦ હોઇ સામાન્ય વર્ગના લોકો કેરી ખરીદવાનું ટાળે છે

બાબરાની બજારોમાં કેસર કેરી સહિત કેરીની જાતોનું આગમન થયુ છે. પરંતુ કેસર કેરીના ભાવ આસમાને હોય સામાન્ય વર્ગના લોકો કેસર કેરીની ખરીદી કરી શકતા નથી. હાલમાં ઠેરઠેર લારીઓ તેમજ દુકાનોમાં ઠેરઠેર કેસર કેરીનુ વેચાણ થઇ રહ્યું છે. હાલમાં કિલોના રૂ. ૭૦થી વધુનો ભાવ ચાલી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં થોડા સમય પહેલા ધારી પંથકમાં ભારે માવઠુ થતા કેરીનો પાક ખરી ગયો હતો. અનેક આંબાવડીયાઓનો સોથ બોલી ગયો હતો. ત્યારે હાલમાં બાબરાની બજારમાં કેસર કેરીનું તો આગમન થયુ છે. પરંતુ ભાવ આસમાને હોવાથી સામાન્ય વર્ગના લોકો કેરી ખરીદવાનું ટાળી રહ્યાં છે.

કેસર કેરીનો વર્ષોથી વેપાર કરતા ભાવેશભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે આ સિઝનમાં કેરીનું ઉત્પાદન તો સારૂ જ થયુ છે. પરંતુ હજુ ભાવ આસમાને હોય જોઇએ તેવી ઘરાકી જોવા મળતી નથી. ભાવેશભાઇ તાલાળા ગીરથી કેરીઓની જથ્થાબંધ ખરીદી કરીને લાવે છે.

હાલમાં કેસર કેરીના ભાવ કિલોના રૂ. ૬૦ થી ૭૦ ચાલી રહ્યાં છે. બોક્સના ભાવ રૂ. ૭૫૦ ચાલી રહ્યાં છે. હજુ પણ આગામી થોડા દિવસો સુધી ભાવ આસમાને રહેવાની શક્યતાઓ જણાઇ રહી છે. હાલમાં તો ભાવ વધુ હોવાથી સામાન્ય વર્ગના લોકો કેરીની ખરીદી નથી કરતા. બજારમાં કેસર કેરી ઉપરાંત પણ અનેક જાતોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.