કડીયાળીમાંથી વધુ 125 પેટી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોડીરાત્રીના એલસીબીનું સફળ ઓપરેશન

રાજુલા: રાજુલા તાલુકાના કડીયાળીમાં આજે મોડીરાત્રીના એલસીબીએ એક રહેણાંકમા દારૂનો દરોડો પાડયો હતો. પોલીસને અહીથી ઇંગ્લીશ દારૂની ૧૨પ પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ અંગેનો આ દરોડો પાડતા લોકોના ટોળેટોળા અહી એકઠા થયા હતા. કડીયાળી ગામ જાણે ઇંગ્લીશ દારૂનુ પીઠુ બની ગયુ હોય તેમ હજુ તો બે દિવસમા પોલીસે અહીથી અડધા કરોડનો ઇંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો ત્યાં આજે મોડીરાત્રીના ફરી ૧૨પ પેટી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હજુ તો અગાઉ પકડાયેલા દારૂના જથ્થાને મુકવા માટે જગ્યા ઓછી પડે તેમ છે ત્યાં આજે ફરી આટલા મોટા જથ્થામા દારૂ ઝડપાતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે. હાલ પોલીસે ટ્રેકટરની મદદથી આ જથ્થો પોલીસ મથકે પહોંચાડવા કામગીરી શરૂ કરી દીધી છે.

આઇજી અને જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઇ આર.એન.વિરાણી, પીએસઆઇ એમ.બી.ઝાલા, પંકજભાઇ અમરેલીયા, સુભાષભાઇ, અશ્વિનભાઇ, અરવિંદભાઇ, નુરભાઇ, જાહીદભાઇ, ગોકળભાઇ, હોથીભાઇ વિગેરેએ દરોડો પાડી કામગીરી કરી હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર એલસીબીએ કડીયાળી ગામની મુખ્ય બજારમાં પ્રેમા કરશનના મકાનમાં આ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રેમા સહિ‌ત એક શખ્સ નાસી છુટવામા સફળ રહ્યો હતો. હાલ પોલીસે દારૂનો જથ્થો કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.