ફાચરીયા નજીક ઇનફાઇટમાં સિંહબાળનું મોત, વન વિભાગ ધંધે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ દિવસમાં જ બે સિંહબાળના ઇનફાઇટમાં મોત : વન વિભાગ ધંધે

ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં કરમદડી રાઉન્ડમાં ગત રાત્રે એક સિંહબાળનું ઇનફાઇટમાં મોત થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. શરીરે ઇજાના નિશાન સાથે આ સિંહબાળનો મૃતદેહ જંગલ વિસ્તારમાં પડેલો મળી આવ્યો હતો. માત્ર પાંચ દિવસના ટુંકાગાળામાં ગીર પૂર્વમાં ઇનફાઇટમાં આ બીજા સિંહ બાળનું મોત થયુ છે.

ગીર જંગલમાં ખુદ સાવજોના જ હુમલામાં સિંહબાળના મોતની ઘટનાઓ વધી રહી છે. સાવજો દ્વારા સંવનનમાં કે મારણમાં બાધારૂપ બનનાર સિંહબાળને મારી નખાયુ હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. આવી જ એક વધુ ઘટના હવે ગીરપૂર્વના દલખાણીયા રેંજમાં બની છે. અહીંના કરમદડી રાઉન્ડમાં ફાચરીયા ગામની સીમમાં એક સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળતા આરએફઓ એ.વી. ઠાકર, સ્ટાફના નિલેષભાઇ વેગડા વગેરે તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

અહિં શરીર પર ઇજાના નિશાન સાથે સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ડૉ. હિતેષ વામજા અને ડૉ. સાવલીયાની પેનલ દ્વારા સિંહબાળનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ સિંહબાળ છ થી સાત માસનું હતુ અને ઇનફાઇટમાં તેનું મોત થયાનું જણાઇ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચેક દિવસ પહેલા જસાધાર નજીકથી પણ આવી જ રીતે ઇનફાઇટમાં એક સિંહબાળનું મોત થયુ હતું.

- અગાઉ પણ આ બચ્ચાંને સિંહે ઘાયલ કર્યું હતુ

ઇનફાઇટમાં મૃત્યુ પામેલુ સિંહબાળ અગાઉ પણ બે વખત ઇનફાઇટમાં ઘાયલ થયુ હતું. કદાચ કોઇ નર તેના પર વારંવાર હુમલો કરતો હતો. આ ઘાયલ બચ્ચાને પકડી સારવાર આપ્યા બાદ થોડા દિવસ પહેલા જ તેને જંગલમાં મુકત કરાયુ હતું. પરંતુ આ વખતે કોઇ સાવજે હુમલો કરી તેને મારી નાખ્યુ હતું.