બગસરામાં લેઉવા પટેલ સમાજનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-લેઉવા પટેલ સમાજનાં વાડીના નવા બિલ્ડીંગ માટે દાનની સરવાણી વહી
- સમાજના ધરોહર સમાન અનેક વડીલોનું સન્માન કરાયું : ધાર્મિ‌ક સ્થાનોના મહંતોની શોભાયાત્રા નિકળી


બગસરા લેઉવા પટેલ સમાજ દ્વારા પટેલવાડીના નવા ભવનના સંકલ્પ સાથે રકતદાન કેમ્પ, રામદેવજી મહારાજના પાઠ તેમજ રાસોત્સવ સાથે ઋૂણ સ્વીકાર સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં અનેક દાતાઓએ છુટા હાથે દાન જાહેર કર્યુ હતુ. બગસરા લેઉવા પાટીદાર સમાજ દ્વારા અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને ઋણ સ્વીકાર સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆત પુર્વે બગસરા પંથકના ધાર્મિ‌ક સ્થાનોના મહંતોની શોભાયાત્રા યોજવામા આવી હતી. કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે બાબુભાઇ પેથાણી તથા ગીર ગાય ક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયા, લોકસાહિ‌ત્યકાર મનસુખભાઇ વસોયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, પ્રતાપભાઇ દુધાત વિગેરે હાજર રહ્યાં હતા. કાર્યક્રમ અંતર્ગત રકતદાન કેમ્પનુ આયોજન કરી વસંતભાઇ ગજેરાની રકતતુલા કરવામા આવી હતી. પટેલ સમાજના નવા ભવનના નિર્માણ માટે સંકલ્પ પુર્ણ કરવા અનેક દાતાઓ દ્વારા છુટા હાથે દાન જાહેર કરવામા આવ્યુ હતુ. આ તકે સમાજના ધરોહર સમાન અનેક વડીલોને પણ સન્માનિત કરી ઋણ સ્વીકાર કરવામા આવ્યો હતો.
બગડુના પ્રકાશ ભગત દ્વારા રામદેવજી મહારાજના પાઠ તથા રામલીલા ફેમ પટેલ રાસમંડળ લતીપુર દ્વારા રાસની રમઝટનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમાં પટેલ સમાજના સુરત, મુંબઇ, રાજકોટ, અમદાવાદ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમ લેઉવા પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઇ હિ‌રાણીએ જણાવ્યુ હતુ.

આગળ જુઓ વધુ માહિતી