સાવરકુંડલા: સાળાની હત્યા કરનાર બનેવીને આજીવન કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના આંબરડીમાં દસ વર્ષ પહેલા થઇ હતી હત્યા

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની સીમમાં દસ વર્ષ પહેલા એક રાજસ્થાની શખ્સે ત્રિકમ અને પત્થરના ઘા ઝીંકી પોતાના સાળાની ઘાતકી હત્યા કરી નાખ્યાના કેસમાં અમરેલીની અદાલતે આજે રાજસ્થાની યુવકને આજીવન કેદની સજા અને રૂા. ત્રણ હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.અમરેલીના એડીશ્નલ સેશન્સ જજ કે.ડી. પરમારે આજે હત્યા કેસમાં રાજસ્થાનના અજમેર જીલ્લાના બીયાવર તાલુકાના વતની છગનસિંહ કરશનસિંહ રાઠોડ નામના રાજપુત શખ્સને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. છગનસિંહ રાઠોડે દસ વર્ષ પહેલા પોતાના જ સાળા પ્રેમસિંગ ખીમસિંગ રાજપુતની ઘાતકી હત્યા કરી હતી.

પ્રેમસીંગ રાજપુતે સાવરકુંડલા તાલુકાના આંબૂરડી ગામના રમેશભાઇ માલાણી નામના પટેલ ખેડૂતનો કુવો ગાળવાનું મજુરી કામ રાખ્યુ હતું અને આ મજુરી કામ માટે તે પોતાના બેન-બનેવી અને અન્ય મજુરોને રાજસ્થાનથી અહિં લઇ આવ્યો હતો. તેણે છગનસિંહને ઉપાડ પેટે થોડી રકમ પણ આપી હતી. જો કે છગનસિંહને આ મજુરી કામ કરવુ ન હોય વતન પરત જવાની વાત કરતા પ્રેમસીંગે ઉપાડ આપ્યો હોય પરત જવાની ના પાડી હતી. જેને પગલે છગનસિંહ ઉશ્કેરાયો હતો.

દરમીયાન તા. ૨૪/૯/૦૩ના રોજ મજુરો કુવામાં અંદર ઉતરી કામ કરતા હતા તે વખતે આ મુદે છગનસિંહ રાઠોડે ઉશ્કેરાઇ જઇ પ્રેમસીંગને પત્થરના ઘા ઝીંકી તથા છાતીમાં ત્રિકમના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત ગોપાલ મંગા ભાટે નામના અન્ય મજુરને ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયો હતો. બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે આજે તેને આજીવન કેદ તથા રૂા. ત્રણ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.