- સંતો મહંતોના હસ્તે ભૂમિપુજન અને ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે
સાવરકુંડલા અને આંબરડી આજે પણ જોગીદાસ ખુમાણના નામે ઓળખાય છે. ત્યારે સાવરકુંડલા ખાતે નગરપાલિકા તેમજ કાઠી ખુમાણ દરબારો દ્વારા રૂ. ૨૧ લાખના ખર્ચે ભવ્ય કલાત્મક 'જોગીદાસ ખુમાણ’ ગેઇટનુ નિર્માણ થશે. જે અંતર્ગત તા. ૨૪ના રોજ ભુમિપુજન અને ખાતમુહુર્ત કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.
જોગીદાસબાપુની ક્ષત્રાવટ બહારવટીયાઓના ઇતિહાસમા મોખરે છે ભાવનગર મહારાજ સામે બહારવટુ ચાલતુ હોવા છતા તેમના પુત્રના અવસાનમાં દુખમાં ભાગ લેવા ગયેલા એવા વિરપુરૂષની યાદમાં સાવરકુંડલાના જેસર રોડ ખાતે ભવ્ય ગેઇટનુ નિર્માણ થનાર છે. નગરપાલિકા અને કાઠી ખુમાણ દરબારો દ્વારા રૂ. ૨૧લાખના ખર્ચે આ ગેઇટનુ નિર્માણ થશે. તા. ૨૪ના રોજ સનાતન આશ્રમના પુ. જયોતિમૈયા, ઉષામૈયા તેમજ ભોળાદાસબાપુના હસ્તે ગેઇટનુ ભુમિપુજન અને ખાતમુહુર્ત થશે.
ભાવનગરના રાજા વખતસિંહે પોતાની ફોજ મોકલી અને કુંડલા ખુમાણ પાસેથી કબજે કર્યુ બાદમાં વખતસિંહનુ મૃત્યુ થતા કુંડલા આંબરડીના દાદા ખુમાણે ભાવનગર રાજય સામે બહારવટુ ખેડયુ અને તેનુ અવસાન થતા જોગીદાસ ખુમાણે બાપના પગલે બહારવટુ જાળવી રાખ્યુ અને અન્યાય સામે ઝઝુમતા રહ્યાં અંતે ભાવનગર મહારાજ થાકીને સમાધાનની દરખાસ્ત મુકી અને સમાધાન થયુ હતુ.
જોગીદાસ ખુમાણની સ્ત્રી સન્માનની ભાવના અદ્દભુત હતી. સ્ત્રીઓ સામે આવતા તેઓ પોતાના મો પર પછેડી ઢાંકી દેતા. ત્યારે આવા વિરપુરૂષ જોગીદાસ ખુમાણની યાદમાં અહી ભવ્ય ગેઇટ નિર્માણ પામશે. આ પ્રસંગે ધારાસભ્ય વી.વી.વઘાસીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ડી.કે.પટેલ, દકુભાઇ બાલધા, પ્રતાપભાઇ વરૂ, બબલાભાઇ ખુમાણ, નીમભાઇ ખુમાણ, અશોકભાઇ, નાગભાઇ, હાથીભાઇ, બાબભાઇ જેબલીયા, અમરૂભાઇ ખુમાણ, ભાભલુભાઇ ખુમાણ, ચંપુભાઇ, જસુભાઇ, પ્રવિણભાઇ કોટીલા સહિત ઉપસ્થિત રહેશે.