રાજુલામાં દવાના નામે નશાયુક્ત પદાર્થનું વેંચાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડીકલ સ્ટોરનાં સંચાલક સહિ‌ત ત્રણ સામે ગુનો નોંધાયો : નશાયુકત દવાનો જંગી જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશાખોરો દેશી કે ઇંગ્લીશ દારૂ ન મળે ત્યારે નશો મેળવવા માટે જાતજાતના પદાર્થોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને રાજુલા પંથકમાં મેડીકલ સ્ટોરમાં દવા તરીકે મળતા કેટલાક પીણાનો નશા માટે બેફામ ઉપયોગ કરવામાં આવે છે. ગઇકાલે એક મેડીકલ સ્ટોરના સંચાલકે અહીના એક નશાખોરને આવી બોટલોનુ વેચાણ કરતા પોલીસે મેડીકલ સ્ટોરના સંચાલક સહિ‌ત ત્રણની ધરપકડ કરી હતી.
રાજુલા પંથકમાં આમ તો દેશી અને ઇંગ્લીશ દારૂના વેચાણની બદી છે જ આમ છતા તેની સાથેસાથે નશાખોરોની પ્યાસ બુજાવવા લેભાગુ તત્વો દ્વારા અનેક પ્રકારના નશીલા પીણાઓ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મેડીકલ સ્ટોરમાં દવા તરીકે ઉપયોગમાં લેવાતા કેટલાક પીણાથી પણ નશો ચડતો હોય નશાખોરો આવી બોટલોના રવાડે ચડી ગયા છે.
રાજુલામાં આ પ્રકારની નશાયુકત દવાની બોટલો વેચવાનો ધંધો પુરબહારમાં ખીલ્યો છે. શહેરના કોઇપણ વિસ્તારમાં આવી ખાલી બોટલો જાહેર રસ્તા પર ફેંકી દેવાયેલી પણ નજરે પડે છે. કેટલાક લેભાગુ મેડીકલ સ્ટોરના સંચાલકો કોઇ ડોકટરે લખી ન હોવા છતા આ દવાઓ દર્દીઓને ઠપકારે છે. આવા લેભાગુ વેપારીઓ તેનો ઉપયોગ વધુ નફો રળવા માટે કરે છે. ગ્રાહકને નશો કરવાના ઉદ્દેશ્યથી આ બોટલો જોઇએ છે તે જાણતા હોવાના કારણે આવા લેભાગુ વેપારીઓ છાપેલી કિમત કરતા વધુ રકમ પણ પડાવે છે.
દરમિયાન ગઇકાલે રાજુલામાં પોલીસે અચાનક જ આવા વેપાર સામે લાલઆંખ કરી હતી. અહીનો ભરત ચીથર શિયાળ નામનો શખ્સ આવી જ નશાયુકત દવાની બોટલ પી લથડીયા ખાતો હોય પોલીસે તેને ઝડપી લીધો હતો.એટલુ જ નહી આ નશાયુકત દવાની બોટલ જેણે વેચી હતી તે શ્યામ મેડીકલના માલિક વિનુ પટેલ અને કર્મચારી હરેશ ટાંક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજુલામાં આ પ્રકારે મેડીકલ સ્ટોરની આડશોમાં નશાયુકત પદાર્થોના થતા વેચાણ પર અંકુશ લાવવો જરૂરી છે.
બે વર્ષથી ચાલતુ દૂષણ
રાજુલામા આ પ્રકારે નશાયુકત દવાના વેચાણનુ દુષણ નવુ નથી. પરંતુ પાછલા બે વર્ષથી ચાલી રહ્યું છે. દોઢેક વર્ષ પહેલા તો પોલીસની મીઠી નજર તળે ખુબ મોટા પ્રમાણમાં આવી દવાનુ વેચાણ થતુ હતુ અને એક સ્થળે તો લારીમાં પણ આવી બોટલો વેચાતી મળતી હતી. જો કે પોલીસે હવે તેની સામે લાલઆંખ કરી છે.
પૂર્વ બાતમીના આધારે પોલીસની કામગીરીથી ફફડાટ
દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા પોલીસે આજે આ મેડીકલ સ્ટોરના સંચાલકને ત્યાં ઓચિંતી ચકાસણી કરતા તેની પાસેથી આવી નશાયુકત દવાનો જંગી જથ્થો ઝડપાયો હતો. મોડી સાંજે પોલીસ દ્વારા દવાનો આ જથ્થો કબજે લેવા કાર્યવાહી કરવામા આવી હતી.