અમરેલીમાં રત્ન કલાકારનાં પરિવારને ૨ લાખની સહાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સહાયનો ચેક અર્પણ કરતા લક્ષ્મી ડાયમંડ ગ્રુપના માલિક)

-ઘરમાં કમાનાર એક જ વ્યક્તિનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડયું ’તું

અમરેલી: અમરેલીના એક રત્ન કલાકાર યુવાનનું તાજેતરમાં અવસાન થતા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિના મોતથી તેના પરિવાર પર આભ તુટી પડયુ હતું. આવા સમયે તે જે કારખાનામાં કામ કરતો હતો તેના માલીક લક્ષ્મી ડાયમંડવાળા વસંતભાઇ ગજેરા અને ચુનીભાઇ ગજેરા દ્વારા તેના પરિવારને રૂા. બે લાખની સહાય કરવામાં આવી હતી. આવા કિસ્સામાં તેમના દ્વારા થતી અવાર નવાર સહાય પીડીત પરિવાર માટે મોટો સધીયારો બની રહે છે.

અમરેલી તાલુકાના ગીરીયા ગામના રમેશભાઇ લક્ષ્મણભાઇ ગંગેરા છેલ્લા પંદર વર્ષથી જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાના અમરેલીમાં આવેલા યુનિટ લક્ષ્મી ડાયમંડમાં હિ‌રા ઘસવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમના ઘરમાં કમાનાર તેઓ એકમાત્ર હતાં. જો કે આ પરિવાર પર ત્યારે આભ તુટી પડયુ જયારે થોડા સમય પહેલા રમેશભાઇ ગંગેરાનું આકસ્મીક અવસાન થયું. અણધારી આફતથી તેમના પરિવાર માટે પણ કફોડી સ્થિતિ સર્જા‍ઇ હતી.

રત્ન કલાકારના પરિવાર પર આફતનું સંકટ આવતા વસંતભાઇ અને ચુનીભાઇ ગજેરાએ તેમના પરિવારને આ સંકટમાંથી બહાર કાઢવા રૂા. બે લાખની સહાય કરી હતી. ગઇકાલે તેમને બે લાખનો ચેક પરિવારને અર્પણ કરી ઉદ્યોગજગત માટે પણ પ્રેરણા પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ડાયમંડના કોઇપણ કર્મચારી રત્ન કલાકાર, મેનેજર કે તેમના પરિવાર પર કોઇપણ પ્રકારની અણધારી આફત, સમસ્યા, બિમારી, સંતાનોના શિક્ષણ જેવા પ્રશ્નો સર્જા‍ય ત્યારે તેમના દ્વારા આર્થિ‌ક સહાયનુ ઉમદા પગલુ લેવામાં આવે છે. અશોકભાઇ ગજેરા અને ગીરધરભાઇ ગજેરા પણ આ રીતે રત્ન કલાકારોની પડખે રહે છે.