માછીમારોની પહેલી સીઝન પૂર્ણ : બોટો લાંગરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જો કે શિયાળબેટમાં માછીમારી શરૂ : નવી સીઝનમાં ૨૫મીથી ફરી ૬૦૦ બોટ દરિયાની ખેપ મારશે

રાજુલા જાફરાબાદ પંથકના માછીમારોની પ્રથમ લાંબી સીઝન પુર્ણ થતા પાછલા ત્રણ દિવસથી મોટાભાગની બોટો દરિયાકાંઠે લાંગરી છે. માછીમારો હવે આગામી સીઝનનો પ્રારંભ ૨૫મી તારીખથી કરશે. આ સમયગાળા દરમિયાન મચ્છી મળતી ન હોય આ વિસ્તારના માછીમારો દર વર્ષે ૨૫ દિવસથી લઇ એક મહિનો માછીમારી બંધ રાખે છે. જો કે શિયાળબેટના માછીમારો હજુ પણ આઠ દિવસ સુધી માછીમારી શરૂ રાખશે.

જાફરાબાદ તથા રાજુલા તાલુકાના દરિયાકાંઠાના માછીમારોએ દર વર્ષની માફક આ વર્ષે પણ માછીમારીની પ્રથમ સીઝન પુર્ણ થતા બોટો દરિયાકાંઠે લાંગરી દીધી છે. જાફરાબાદમાં ૫૦૦ થી વધુ બોટો હાલમાં દરિયાકાંઠે લાંગરેલી છે. આ સીઝન દરમિયાન મચ્છી ખુબ જ ઓછી મળતી હોય અને તેની પડતર ખુબ જ ઉંચી આવતી હોય દર વર્ષે માછીમારો થોડા દિવસનુ વેકેશન રાખે છે. અને આ વેકેશન દરમિયાન જરૂરી કામો નીપટાવે છે.

આ વર્ષે માછીમારોએ ૩૧ મી તારીખે જ સીઝનની સમાપ્તી કરી છે. અને હવે આગામી ૨૫મી તારીખે નવી સીઝન શરૂ થશે. ત્યારબાદ ધુળેટી પર્વ પર પણ એક અઠવાડિયા સુધી માછીમારી બંધ રહેશે. જો કે શિયાળબેટના માછીમારોએ હજુ સીઝનની સમાપ્તી કરી નથી જેને પગલે અહીના માછીમારોની બોટ હજુ પણ દરિયામા છે. આજે શિયાળબેટ ગ્રામપંચાયતની ચુંટણી હોય આ બોટો આજે જરૂર કાંઠે લાંગરી હતી.

જાફરાબાદના માછીમારોએ જણાવ્યુ હતુ કે આ સીઝનમાં મચ્છી દરિયાના તળીયે હોય છે. જેથી મોટા જથ્થામાં જાળમાં ફસાતી નથી. વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ ફરી દરિયામા મોટા જથ્થામાં માછલીઓ મળવા લાગશે.

- શિયાળબેટની દોઢસો બોટ હજુ દસ દિવસ માછીમારી કરશે

શિયાળબેટના દોઢસોથી વધુ બોટ માલિકોએ હજુ સીઝનની સમાપ્તી કરી નથી. આવતીકાલથી આ બોટ દરિયામાં આઠથી દસ દિવસની વધુ એક ખેપ મારવા જશે. અને ત્યારબાદ સીઝન પુરી કરશે.