ખાંભામાં વેપારી - ગ્રાહક બાખડ્યા, બે ઘવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેપારી સહિત બેને ઇજા : સામસામી પોલીસ ફરિયાદ

ખાંભામાં ગઇકાલે બપોરે અનાજના ટીકડા ખરીદવા આવેલા ગ્રાહક અને વેપારી વચ્ચે તકરાર થતા મારામારી થઇ પડી હતી. જેને પગલે વેપારી સહિત બેને ઇજા થતા આ બારામાં ખાંભા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીની આ ઘટના ગઇકાલે ખાંભામાં બની હતી. ખાંભામાં આનંદ સોસાયટીમાં રહેતા અમીતભાઇ ધીરજભાઇ પંડયા જંતુનાશક દવાની દુકાન ધરાવે છે. ગઇકાલે નાથા પોપટ પાટડીયા નામનો શખ્સ તેની દુકાને અનાજમાં નાખવાના ટીકડા લેવા આવ્યો હતો.

પરંતુ તેઓ ઝેરી ટીકડા રાખતા ન હોય ના પાડતા નાથા પોપટ ઉપરાંત ભુપત નાથા, મુન્ના નાથા અને બચુ કોળી નામના શખ્સોએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. વળી નાથા પોપટે તેના કાન પર બટકુ પણ ભરી જઇ મારી નાખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે નાથા પોપટ પાટડીયાએ આ બારામાં અમીત ધીરૂ પંડયા અને ધીરૂ પંડયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે અનાજના ટીકડા લેવા તેઓ ગયા ત્યારે અહી શું દોડયા આવો છો તેમ કહી બંને શખ્સોએ તેને હોકી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. ખાંભા પોલીસે આ બારામાં સામસામી પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.