ડીઝલ પર ભાવ વધારો ખેંચાયો : માછીમારોમાં ખુશનો માહોલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માછીમારોને રોજનું લાખોનું નુકશાન અટકર્યું : સરકારનાં આ નિર્ણયથી સાગર પુત્રોનાં રોજગાર ફરી ધમધમશે

માછીમારો દ્વારા માછીમારી વખતે બોટમાં વપરાતા ડીઝલમાં લીટર દીઠ રૂ. ૧૨નો ભાવ વધારો સરકાર દ્વારા અચાનક કરાતા માછીમારોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો અને સાતમીએ દેશવ્યાપી હડતાલનું એલાન અપાયુ છે. પરંતુ હવે સરકાર દ્વારા ડીઝલનો આ ભાવ વધારો પાછો ખેંચાયો હોવાની માછીમાર એસો.ને ઇમેઇલથી જાણ કરાતા માછીમારોએ ખુશી વ્યક્ત કરી છે.

અમરેલી જીલ્લામાં જાફરાબાદ અને રાજુલા તાલુકામાં માછીમારીનો વ્યવસાય ખુબ મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને શીયાળબેટ પંથકની ૭૦૦થી વધુ બોટો માછીમારી માટે નિયમીત રીતે દરીયો ખેડે છે. લગભગ તમામ માછીમારો આ માટે ડીઝલ બોટનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને અપાતા ડઝિલમાં લીટર દીઠ રૂ. ૧૨નો તોતીંગ વધારો ઝીંકાયો હતો.

ડીઝલમાં અચાનક ભાવ વધારાના કારણે માછીમારી ઉદ્યોગ પર જબરૂ સંકટ આવે તેવી શક્યતા હોય માછીમારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજુલા-જાફરાબાદ પંથકના માછીમારો પણ આગામી ૭મી ફેબ્રુઆરીએ દેશભરમાં થનારી હડતાલમાં જોડાવાના હતાં. ઓલ ઇન્ડીયા માછીમાર એસો.એ દેશવ્યાપી હડતાલના આપેલા આ એલાનને જાફરાબાદ માછીમાર એસો.એ ટેકો આપ્યો હતો.

દરમીયાન સરકાર દ્વારા ઓલ ઇન્ડીયા માછીમાર એસો.ના પ્રમુખ મુર્તીને ઇમેઇલ મારફત ડીઝલનો આ ભાવ વધારો મોકુફ રખાયો હોવાની જાણ કરી હતી. જેને પગલે તેમણે જાફરાબાદ માછીમાર એસો.ને પણ જાણ કરતા માછીમારોએ ખુશી વ્યક્ત કરી છે. અહિંના માછીમાર આગેવાન શ્રી સોલંકી, બોટ એસોસીએશનના પ્રમુખ પરશોત્તમભાઇ બારીયા, સીદુભાઇ થૈયમ, મંગાભાઇ બારીયા, નારણભાઇ વગેરેએ આ અંગે ખુશી વ્યક્ત કરી જણાવ્યુ હતું કે સરકારના આ નિર્ણયથી સાગર પુત્રોના ધંધા રોજગાર ફરી ફુલશે ફાલશે.