ખેડુતોને કૃષિ મહોત્સવની નહી પાક વિમાની જરૂર છે : ઉંધાડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તાયફાઓ બંધ કરી ખેડુતોના પ્રાણપ્રશ્નો ઉકેલવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા ધારાસભ્ય

હાલ રાજ્યમાં કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર પાઠવી આક્ષેપો સાથે ખેડુતોને પાક વિમો, રોઝ ભુંડનો ત્રાસ, પાણીનો કાળો કાયદો, વ્યાજ માફીનુ વચન સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી છે.

ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર પાઠવી આક્ષેપો સાથે કરેલી રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કૃષિ કિટોની ખરીદીમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વધુમાં જણાવાયું હતુ કે વર્ષ ૨૦૦૭ થી ૧૨ સુધી દેશમાં કૃષિક્ષેત્રે ગુજરાત આઠમા ક્રમે આવેલ છે. અને તે પણ અમેરીકાની મોનસાન્ટો કંપનીના કપાસથી, રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને હળાહળ અન્યાય થઇ રહ્યો છે.

ભયંકર દુષ્કાળ છતા ખેડુતોને અત્યારે દવા, બીયારણ, ઓજારો તેમજ ધીરાણ નવુ જુનુ કરવા માટે ખેડુતો પાસે પૈસા નથી તેથી ખેડુતોને કૃષિ મહોત્સવની જરૂર નથી પણ તાત્કાલિક પાક વિમાની રકમની જરૂર છે. આ ઉપરાંત રોઝ અને ભુંડનો ત્રાસ દુર કરવા તેમજ એક જ સર્વે નંબરમાં એક કનેકશન હોય અને બીજુ કનેકશન મંજુર થાય તો આપવા માંગણી કરવામાં આવી છે.

- પાણીનો કાળો કાયદો રદ કરો

પાણીનો કાળો કાયદો રદ કરવો તેમજ ખેડુતોને વિધાનસભાની ચુંટણીમાં વ્યાજ માફીનું વચન આપેલ તો વ્યાજ માફ કરવુ, સાત મહિના પહેલા મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ ચેકડેમો ભરી દેવાનુ કહ્યું હતુ પરંતુ હજુ સુધી પાણી ભરાયા નથી. શિક્ષણની હાલત કફોડી બની છે, બારકોડેડ રેશનકાર્ડની કામગીરીમાં અનેક ક્ષતિઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.