રાજુલા-જાફરાબાદમાં ૨.પ૦ કરોડ ફાળવાયા: વિકાસ નહિ‌વત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એટીવીટી યોજના અંતર્ગત રાજુલા તાલુકાના પાંચ ગામોમાં જ કામો થયા
- જાફરાબાદમાં એકપણ વિકાસ કામ નહી
- બેઠકમાં સરપંચો દ્વારા રજુઆતો


રાજુલા જાફરાબાદ તાલુકામાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટી યોજના હેઠળ આ વર્ષે અઢી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમ છતા હજુ સુધી વિકાસના કામો શરૂ થયા નથી. ગત વર્ષે પણ માત્ર રાજુલા તાલુકામાં પાંચ ગામોમાં ચાર વિકાસ કામો થયા હતા. જયારે જાફરાબાદ તાલુકાના એક પણ ગામમાં વિકાસ કામો થયા નથી. ત્યારે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી એટીવીટીની બેઠકમાં સરપંચો દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવી હતી.

સરકાર દ્વારા ભલે ગમે તેવી યોજનાઓ બહાર પાડવામાં આવે પરંતુ સ્થાનિક અધિકારીઓ આ યોજનાઓને સાકાર થવા દે તો જ વિકાસ કામો થઇ શકે. એટીવીટીની મળેલી બેઠકમાં સરપંચોએ રજુઆતો કરી જણાવ્યું હતુ કે મિટીંગોનો કોઇ અર્થ નથી. કોઇને વિકાસ કામોમાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે. ૨૦૧૧/૧૨માં બંને તાલુકામાં પીવાના પાણી માટે નવા દાર અને કુવા બનાવવા વિગેરે યોજના માટે અઢી કરોડ ફાળવ્યા હતા. એકપણ રૂપિયો પાણી પ્રશ્ને વાપરવામાં ન આવતા આ વર્ષે પાણીની વિકટ સ્થિતિ ઉભી થઇ હતી.

૨૦૧૦/૧૧માં પણ પાણી માટે એટીવીટી યોજના અંતર્ગત રાજુલા અને જાફરાબાદમાં એક કરોડ જેટલી રકમની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. પરંતુ કોઇ જ કામગીરી કરવામાં આવી ન હતી. અને પાણીની તંગી ઉભી થઇ હતી. ત્યારે ૨૦૧૨/૧૩માં અઢી કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. રાજુલા તાલુકામાં પાંચ ગામોમાં કામ શરૂ થયા છે પરંતુ કોઇ પ્રગતિ નથી. જાફરાબાદમાં એકપણ કામ શરૂ થયુ નથી.

પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જાફરાબાદ તાલુકાના સરપંચોએ જણાવ્યું હતુ કે એક તાલુકાને ગોળ અને એકને ખોળ તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. બગસરા, ધારી સહિ‌ત અન્ય તાલુકામાં ગ્રામપંચાયતો એટીવીટીની કામગીરી કરવા ઇચ્છતી હોય તેવી પંચાયતોએ એક ટકા ટેન્ડર ફી ભરે છે. જયારે રાજુલા જાફરાબાદ તાલુકામાં દસ ટકા ગ્રામપંચાયત પાસે ભરાવવામાં આવે છે. વિગેરે રજુઆતો કરવામાં આવી હતી.