દેવળકીના મતદારો જેતપુર વિધાનસભા સીટમાં કરશે મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના તમામ ગામોનો જુદી જુદી પાંચ વિધાનસભા સીટમાં સમાવેશ કરાયો છે. પરંતુ વડીયા તાલુકાનું દેવળકી ગામ વડીયા વિધાનસભા સીટમાં નહી પણ જેતપુર વિધાનસભા સીટમાં આવે છે. જેતપુર સીટ માટે યોજાનારા પેટા ચુંટણીમાં આ સીટના ૨૧૩૦ મતદારો મતદાન કરશે.

અમરેલી જીલ્લામાં આમ તો વિધાનસભાની એકેય પેટા ચુંટણી યોજાવાની નથી પરંતુ વડીયા તાલુકાના દેવળકી ગામના મતદારો જરૂર પેટા ચુંટણીમાં મતદાન કરશે. કારણ કે વડીયા તાલુકાનું આ એક ગામ જેતપુર વિધાનસભા સીટ હેઠળ આવે છે અને આવનારા દિવસોમાં જેતપુર વિધાનસભા સીટની પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે.

જેતપુર વિધાનસભા સીટના ૨પ૮ મતદાન મથકો પર ૨૩૬૩પ૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી દેવળકી ગામના મતદારોની સંખ્યા ૨૧૩૦ છે. અહિં બે મતદાન મથકો પર ૧૧૦૮ પુરૂષ અને ૧૦૨૨ સ્ત્રીઓ દ્વારા મતદાન કરવામાં આવશે. વિધાનસભાની ચુંટણી દરમીયાન અહિં વડીયા પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા પર અમરેલી જીલ્લા પોલીસ વડાની દેખરેખ રહેશે.