કુંડલાના મોટા ઝીંઝુંડામા ડેંગ્યુનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કુંડલાના મોટા ઝીંઝુંડામા ડેંગ્યુનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યા
- રોગચાળાને નાથવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડયું

અમરેલી જિલ્લામાં ગત વર્ષે ડેન્ગ્યુના રોગચાળાએ અનેક ગામોને ભરડામા લીધા હતા. ડેન્ગ્યુના રોગચાળામા આઠથી દસ લોકો મોતને પણ ભેટયા હતા. આ રોગચાળાને નાથવામા આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડયુ હતુ. ત્યારે ફરી ડેન્ગ્યુના રોગચાળાએ માથુ ઉંચકયુ છે. સાવરકુંડલાના મોટા ઝીંઝુંડા ગામે ડેન્ગ્યુના બે પોઝિટીવ કેસ સામે આવતા લોકો ફફડી ઉઠયા છે. ત્યારે આ પ્રશ્ને ઇન્ડિયન મેડીકલ એસો. દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઇ છે. ડેન્ગ્યુના રોગચાળાએ ગત વર્ષે જિલ્લાના અનેક ગામોને પોતાની ઝપટમા લીધા હતા. ખાસ કરીને ખાંભા પંથકના ગામોમા તો ડેન્ગ્યુએ કાળોકેર વર્તાવ્યો હતો. તો બગસરા, અમરેલી, રાજુલા સહિ‌તના ગામોમા પણ ડેન્ગ્યુએ પગપેસારો કર્યો હતો. આરોગ્ય તંત્ર ડેન્ગ્યુના રોગચાળાને નાથવામા નિષ્ફળ રહેતા રોગચાળામા અનેક લોકો મોતને પણ ભેટયા હતા.

ફરી ડેન્ગ્યુના રોગચાળાએ માથુ ઉંચકયુ હોય લોકોમા ભય જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને ઇન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો.જી.જે.ગજેરા, સેક્રેટરી ડો. હરેશ ડી. યાદવ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામા આવી છે. જેમા જણાવાયુ છે કે સાવરકુંડલા તાબાના મોટા ઝીંઝૂંડા ગામે ડેન્ગ્યુના બે દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોય અને હાલમા બંને દર્દીઓ અમરેલી સિવીલ હોસ્પિટલમા સારવાર લઇ રહ્યાં છે.

ત્યારે ફરી ડેન્ગ્યુએ દેખાદીધા હોય તેમજ ગત વર્ષે આ જ પ્રમાણે એકાદ બે ગામમા આ રોગચાળાની શરૂઆત થઇ હતી ત્યારે ડીએચઓને જાણ કરવામા આવી હતી પરંતુ આ વાતને હળવાશથી લેવામા આવતા થોડા સમયમા જ રોગચાળો જિલ્લાના અનેક ગામોમા પ્રસરી ગયો હતો. ત્યારે આરોગ્ય તંત્રને અત્યારથી જ સુચના આપી તકેદારીના સર્વે ઉપાયો અમલમા મુકવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી. જો અત્યારથી જ પગલા લેવામા નહી આવે તો પછી તંત્ર આ રોગચાળાને પહોંચી નહી શકે.