અમરેલીમાં કાયદો વ્યવસ્થા કથળી છે : કોંગ્રેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આક્ષેપ| શહેરમાં કોંગી આગેવાનોનું રેલી સાથે કલેકટરને આવેદન : અસામાજિક તત્ત્વોને સીધા દોર કરવા માંગ
- રાજકમલ ચોકમાં અડધા દિવસનાં ધરણા સાથે કોંગી આગેવાનોએ પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવ્યો

અમરેલી: અમરેલીમાં આજે જીલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોવાના આક્ષેપ સાથે અહિંના રાજકમલ ચોકમાં અડધો દિવસ સુધી ધરણા કરી પોલીસની નિષ્ક્રીયતા સામે રોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં જીલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઇ કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર પાઠવી અસામાજીક તત્વોને સીધા દોર કરવામાં આવે અને ચોરી, લુંટફાટ, દારૂની હેરાફેરી જેવા બનાવો અટકે તે દિશામાં યોગ્ય પગલા લેવા માંગ કરી હતી.

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા અગાઉથી જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આજે અહિંના નાના બસસ્ટેન્ડ ચોકમાં ધરણાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી નાના બસસ્ટેન્ડ ચોકમાં જ છાવણી નાખી અડધો દિવસ સુધી ધરણા કર્યા હતાં. પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ઠાકરશીભાઇ મેતલીયા, રફીકભાઇ ચૌહાણ, ટીકુભાઇ વરૂ, નરેશભાઇ અધ્યારૂ, હરીભાઇ સાંગાણી, નંદલાલ ભડકણ, પ્રહલાદભાઇ સોલંકી, હિરાભાઇ પડાયા વિગેરે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

બપોરે કોંગ્રેસી આગેવાનો ધરણા સમાપ્ત કરી જીલ્લા કલેક્ટર કચેરીએ ધસી ગયા હતાં અને રાજ્યપાલને ઉદેશી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. જેમાં કોંગી આગેવાનોએ જણાવ્યુ હતું કે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળીને ખાડે ગઇ છે. હત્યા, બળાત્કાર, લુંટ, મારામારી, લુખ્ખાગીરી, વ્યાજખોરી જેવા દુષણો વધ્યા છે. દારૂની બેફામ હેરાફેરી થાય છે, અનેક ગુનાઓનો ભેદ પોલીસ ઉકેલી શકતી નથી. નિષ્ઠાવાન અધિકારીઓ સાઇડ લાઇન થાય છે, ભુમાફીયાઓ બેફામ બન્યા છે, લોકોને સલામતીનો અહેસાસ થતો નથી ત્યારે આ દિશામાં ચોક્કસ અને મજબુત કાર્યવાહી થવી જોઇએ.

કોંગ્રેસી આગેવાનોએ માંગણી કરી હતી કે જેમ હવે જંગલમાં સાવજો સલામત નથી તેમ જીલ્લામાં માણસો સલામત નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે એક તપાસ સમિતીની રચના થવી જોઇએ અને તેનો અહેવાલ જાહેર થવો જોઇએ. આવેદનપત્ર પાઠવતી વખતે એન.બી. ઝાલાવાડીયા, કનુભાઇ ઠાકર, એમ.બી. મકવાણા, જીતુભાઇ ગોળવાળા, મહેન્દ્રકુમાર કંસારા, રાજુભાઇ બીલખીયા, વસંતભાઇ કાબરીયા, હાજી સુલેમાનભાઇ મેતર, શૈલેષભાઇ રૂપારેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, એન.એ. લાડોલા, ગોવિંદભાઇ તલસાણીયા વિગેરે સાથે જોડાયા હતાં.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....