રાજુલાના ટ્રાન્સપોર્ટર સાથે ૨૪ લાખની છેતરપીંડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડ્રાઇવર અને કલીનર ૨૧ ટન સીમેન્ટ અને ટ્રક લઇ રફુચકકર થઇ જતાં મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ: બન્ને શખ્સોએ મુદ્દામાલ બારોબાર જ વેંચી નાખ્યો

રાજુલાના એક ટ્રાન્સપોર્ટરે કોવાયામાંથી પોતાના ટ્રક ચાલક અને કલીનરને ટ્રકમાં સીમેન્ટ ભરી ખાલી કરવા મોકલ્યા બાદ ચાલક અને કલીનર રૂ. ૧.૦૪ લાખની સીમેન્ટ અને ૨૩ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૨૪.૦૪ લાખનો મુદ્દામાલ લઇ રફુચકકર થઇ જતા તેણે આ બારામાં મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલાના ટ્રાન્સપોર્ટર સાથે છેતરપીંડીની આ ઘટના ગત તા. ૧૫મીએ બની હતી. રાજુલાના ઘનશ્યામનગરમાં રહેતા ભગવાનભાઇ નથુભાઇ રામે પોતાના માલિકીના જીજે ૧૦ ડબલ્યુ ૬૯૫૮ નંબરના ટ્રકમાં ૨૧.૭૩ ટન સીમેન્ટ ભરી હતી. આ સીમેન્ટ નિશ્વિત પાર્ટીને પહોંચાડવા માટે ડ્રાઇવર જીબ્રાઇલ તાહીરઅલી કુરેશી અને કલીનર વસીમઅલી મુમતાઝઅલી કુરેશીને ટ્રક સોંપવામાં આવ્યો હતો.

બંને શખ્સો ૧૫મી તારીખે ટ્રક લઇને નીકળ્યા હતા. પરંતુ ૧૭મી તારીખે પણ નિયત સ્થળે સીમેન્ટ નહી પહોંચાડતા ભગવાન રામને પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થઇ હતી. આખરે ૧.૦૪ લાખની સીમેન્ટ અને ટ્રક મળી કુલ રૂ. ૨૪.૦૪ લાખનો મુદ્દામાલ બારોબાર વેચી મારી છેતરપીંડી આચરવા અંગે તેમણે બંને શખ્સો સામે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ ડી.વી.તડવી બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.