રાજુલાની કેટલીક હોટલોમાં દેહ વ્યાપારની પ્રવૃત્તી ફૂલીફાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- મુંબઇની અનેક રૂપજીવીનીઓના શહેરમાં ધામા, દૂષણને ડામવા નક્કર પગલા લેવાય એવી માંગ

રાજુલા: રાજુલા પંથકમાં ઔદ્યોગીક વિકાસને પગલે દેશ-વિદેશના લોકોની અવર જવર વધી છે ત્યારે આ વિસ્તારમાં દેહ વ્યાપારના ધંધાનું દુષણ પણ ફુલી ફાલી રહ્યુ છે. ખાસ કરીને મુંબઇ પંથકની અનેક મહિ‌લાઓએ દેહ વ્યાપાર માટે અહિં ધામા નાખ્યા છે. આવી કેટલીક મહિ‌લાઓનો વહીવટ નામચીન હોટેલોમાંથી ચાલે છે અને કેટલીક મહિ‌લાઓ મકાન ભાડે રાખી ધંધો કરી રહી છે.

રાજુલા શહેરમાં પાછલા કેટલાક સમયથી દેહ વ્યાપારનો ધંધો કુદકેને ભુસકે વધી રહ્યો છે. આ વિસ્તારમાં મહાકાય કંપનીઓના આગમનને પગલે ધંધા-ઉદ્યોગોનો પણ ખાસ્સો વિકાસ થયો છે અને તેને પગલે જ અહિં દેશ-વિદેશના લોકોની અવર જવર પણ વધી છે. પરપ્રાંતિય વાહન ચાલકોની પણ વ્યાપક પ્રમાણમાં અવર જવર રહે છે. જેનો લાભ ઉઠાવવા મુંબઇ તથા અન્ય શહેરોમાંથી મોટા પ્રમાણમાં રૂપજીવીનીઓએ અહિં ધામા નાખ્યા છે.

રાજુલા શહેરની કેટલીક હોટેલોમાં સરળતાથી રૂપજીવીનીઓ મળી રહેતી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કેટલીક રૂપજીવીનીઓએ તો શહેરમાં મકાન પણ ભાડે રાખ્યા છે. જેને પગલે ત્યાં લોકોની અવર જવર વધતા સ્થાનીક લોકોને હાડમારી વધી છે. અહિં બાયપાસ વિસ્તાર, હિંડોરણા રોડ, મહુવા રોડ, હિંડોરણા ચોકડી અને હિંડોરણા-ઉના રોડ પર આ દુષણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે.

પોલીસ દ્વારા આ દુષણને ડામવા નક્કર પગલા લેવાઇ તે જરૂરી બન્યુ છે. રાજુલામાં આવી મહિ‌લાઓના દલાલોએ પણ ધામા નાખ્યા છે. શહેરમાં આ રીતે બેફામ રીતે ચાલતા દેહ વ્યાપારના ધંધા સામે પોલીસ લાલ આંખ કરે અને આ પ્રવૃત્તીમાં સંડોવાયેલ રૂપલલનાઓને પકડી પાડી આ સમગ્ર નેટર્વકનો પર્દાફાશ કરવામાં આવે એવી લોકોમાંથી ઉગ્રમાંગ ઉઠી છે.