અમરેલી: ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે તંત્ર સજ્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તૈયારીઓનો ધમધમાટ : ગેરરિતી ડાંમવા વિડોયો ગ્રાફી અને સીસીટીવી કેમેરાની મદદ લેવાશે
- ૧પ૦૦ થી વધુ કર્મચારીઓ અને ૩પ૦ પોલીસકર્મી ફરજ બજાવશે


આવતીકાલથી ધો. ૧૦ અને ૧રની પરીક્ષાનો આરંભ થઇ જવા જઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લાનું વહીવટીતંત્ર આજે પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવામાં કામે લાગ્યુ હતું. ધો. ૧૦ અને ૧૨માં ૪૨૬૭૨ પરીક્ષાર્થી‍ઓ પરીક્ષા આપશે. ગેરરીતી ડામવા માટે વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાની પણ મદદ લેવાશે. આ ઉપરાંત સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. શિક્ષકો અને અન્ય સ્ટાફ મળી ૧પ૦૦થી વધુ કર્મચારીઓ આ પરીક્ષા દરમીયાન ફરજ બજાવશે.

ધો. ૧૦ અને ૧૨ના છાત્રો ઝળહળતી સફળતા મેળવવા માટે પાછલા એક વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ છાત્રો માટે હવે નિર્ણાયક ઘડી આવી પહોંચી છે. ૧૩મી તારીખથી ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. અમરેલી જીલ્લાના વિદ્યાર્થીઓ પણ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા આપવા માટે સજ્જ થયા છે. વિદ્યાર્થીઓ અંતિમ ઘડીની તૈયારીમાં લાગી ગયા છે. વાલીઓ પણ પોતાના સંતાનો યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે મથી રહ્યા છે. તો બીજી તરફ જીલ્લાનું શિક્ષણતંત્ર પણ સુચારૂ અને શાંતીપૂર્ણ રીતે પરીક્ષા યોજાય તે માટે આજે આખરી તૈયારીઓની દોડધામ કરતુ નઝરે પડતુ હતું.

ધો. ૧૦ની પરીક્ષા માટે અમરેલી જીલ્લાને બે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. અમરેલી ઝોનમાં ૩૬ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે જ્યારે સાવરકુંડલા ઝોનમાં પણ ૩૬ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. આવી જ રીતે ધો. ૧૨ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૬ કેન્દ્ર પર પ૪ બિલ્ડીંગમાંથી તથા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ત્રણ કેન્દ્રો પર ૧૧ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. અમરેલી જીલ્લાના કોઇ પરીક્ષા કેન્દ્ર પર ચોરી ન થાય અને ચોરીના દુષણ પર નઝર રાખી શકાય તે માટે વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવશે. આ ઉપરાંત અમરેલી જીલ્લામાં રચાયેલી લોકલ સ્ક્વોડ અને ફ્લાઇંગ સ્ક્વોડ પણ ચોરીની બદીને ડામવા કાર્યરત રહેશે.

જે બિલ્ડીંગમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષા લેવાઇ રહી છે તે શાળાના અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે મહદ અંશે રજા રહેશે. તો બીજી તરફ આવતીકાલે વિદ્યાર્થીઓ જે તે પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા નિહાળવા પડાપડી કરશે. પરીક્ષા સુચારૂરૂપથી પાર પાડવા માટે ૧પ૦૦થી વધુ કર્મચારીઓની મદદ લેવાશે. શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે સ્ટ્રોંગ રૂમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

૩પ૦ પોલીસ કર્મી ફરજ બજાવશે
ધો. ૧૦ અને ૧૨ના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ શાંતીપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ૩પ૦ પોલીસકર્મીઓનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તંત્ર દ્વારા પરીક્ષાના સમય દરમીયાન ઝેરોક્ષ અને ફેક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

૪૨૬૭૨ છાત્રો આપશે પરીક્ષા
સમગ્ર અમરેલી જીલ્લામાં ધો. ૧૦માં કુલ ૨૪પ૬૬ છાત્રો પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧પ૬૮૩ છાત્રો અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૪૨૩ છાત્રો મળી કુલ ૪૨૬૭૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

ઝોનલ અધિકારીઓની નિમણુંક કરાઇ
ધો. ૧૦ની પરીક્ષા માટે અમરેલી ઝોનના ઝોનલ અધિકારી તરીકે અનિલ વ્યાસની નિમણુંક કરાઇ છે. જ્યારે સાવરકુંડલાના ઝોનલ અધિકારી તરીકે કે.ડી. પારગીની નિમણુંક થઇ છે. ઉપરાંત ધો. ૧૨માટે ઝોનલ અધિકારી તરીકે બી.બી. પડાયાની વરણી થઇ છે. આ ઉપરાંત છ આસી.ઝોનલ અધિકારીની પણ વરણી કરાઇ છે.