કોડીનારમાં ભાજપનાં કાર્યકરોએ ખેસ પહેરી છાત્રોને આવકાર્યા’તા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર તાલુકા કોંગ્રેસે ચૂંટણી પંચમાં આચારસંહિ‌તાની ફરિયાદ દાખલ કરી

સોરઠમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આચારસંહિ‌તાનો અમલ થઇ રહ્યો છે ત્યારે ભાજપનાં કાર્યકરોએ કેસરીયો ખેશ પહેરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા કોંગ્રેસે આ અંતર્ગત ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરતા ભારે ગરમાવો આવ્યો છે. કોડીનાર શહેર અને તાલુકામાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભે છાત્રોને કુમકુમ તિલક, મોં મીઠુ કરાવી અને ગુલાબનું ફૂલ આપી આવકારવાનો થનગનાટ પણ જોવા મળ્યો હતો.

જોકે, કોડીનાર શહેરમાં ભાજપનાં કાર્યકરો એક સ્કૂલમાં ભાજપનો ખેશ અને પીએમ પદની ટોપી પહેરી અને છાત્રોને આવકારી મોં મીઠા કરાવ્યા હતા. આ અંગેની તસ્વીર આજે અખબારોમાં પ્રસિદ્ધ થતાં કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ ચુડાસમાએ અખબારોનાં કટીંગ સાથે પ્રવર્તમાન ચૂંટણી પંચની આચારસંહિ‌તાનો ભાજપનાં કાર્યકરોએ ભંગ કર્યાની મુખ્ય ચૂંટણી અધિકારી એવા ગીર-સોમનાથ કલેકટરને તથા કોડીનાર મામલતદારને આચારસંહિ‌તા ભંગની ફરિયાદ કરી છે.

ભાજપનાં જે કાર્યકરો આ સમયે હતા તેનાં નામ જોગ કરવામાં આવેલી આચારસંહિ‌તાની ફરિયાદે તાલુકાનાં રાજકારણમાં ગરમાવો પ્રસરાવ્યો છે. જોકે, આ ફરિયાદ બાદ ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.