બાબરામાં કારમાંથી ઇંગ્લીશ દારૂની ૨૫૯ બોટલ ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાલક સહિત બે શખ્સો નાસી છુટયા : બાબરા પંથકમાં ઇંગ્લીશ દારૂના વેચાણનું વધતુ દુષણ

બાબરા પંથકમાં પાછલા કેટલાક સમયથી ઇંગ્લીશ દારૂના વેચાણનું દુષણ મોટા પ્રમાણમાં વધવા પામ્યુ છે ત્યારે ગઇકાલે બાબરાના નિલવડા રોડ પર પોલીસના પેટ્રોલીંગ દરમીયાન એક એસ્ટીમ કારને રોકાવી તલાશી લેતા ઇંગ્લીશ દારૂની ૨૫૯ બોટલ મળી આવી હતી. ચાલક સહિત બે શખ્સો નાસી છુટયા હતાં. પોલીસે ૨.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો છે.

બાબરા પંથકમાં પોલીસ ઇંગ્લીશ દારૂનુ દુષણ ડામવામાં નિષ્ફળ જઇ રહી છે અને આ વિસ્તારમાં અનેક સ્થળે ઇંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. તેની વચ્ચે પોલીસને બગાસુ ખાતા પતાસુ મળી ગયુ હતું. સ્થાનિક પોલીસ દ્વારા ગઇરાત્રે અહિંના નિલવડા રોડ પર પેટ્રોલીંગ કરાતુ હતું ત્યારે પાણીની ટાંકી પાસેથી એક કાર અટકાવી તેની તલાશી લેવામાં આવતા ઇંગ્લીશ દારૂનો આ મોટો જથ્થો ઝડપાયો હતો.

કારની તલાશી દરમીયાન પોલીસને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૫૯ બોટલ મળી આવી હતી. રૂ. ૯૦૬૫૦ની કિંમતનો ઇંગ્લીશ દારૂ અને રૂ. દોઢ લાખની કિંમતની કાર મળી પોલીસે કુલ રૂ. ૨૪૦૬૫૦નો મુદામાલ કબજે લીધો હતો. જો કે પોલીસની આ કાર્યવાહી દરમીયાન ચાલક શીવકુ ઉર્ફે શીવરાજ વાજસુરભાઇ કાઠી તથા જગદિશ કિશોરભાઇ રૂપારેલીયા મળી બે શખ્સો નાસી છુટયા હોવાનું પણ જાણવા મળેલ છે. જમાદાર અરજણભાઇ મહેતા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.