તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લામાંથી ૪ ઉઘાડપગા ડોક્ટર ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આરોગ્ય અધિકારી, આરઆરસેલ અને પોલીસની ટુકડીનો સપાટો : ડીગ્રી વગર લોકોની જીંદગી સાથે ખીલવાડ કરતા હતાં

અમરેલી જીલ્લામાં બોગસ તબીબોનો રોફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા ભાગ્યે જ આવા તબીબો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોય લેભાગુ તત્વો મુન્નાભાઇ એમબીબીએસ બની ગ્રામ્ય વિસ્તારોમાં હાટડાઓ નાખીને બેસી ગયા છે. આખરે આજે આરોગ્યતંત્ર આળસ મરડીને બેઠુ થયુ હતું. જીલ્લા આરોગ્ય અધિકારી અને આરઆરસેલે દેવળીયામાંથી બોગસ તબીબને ઝડપી લીધો હતો. આવી જ રીતે પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ રાજુલા તાલુકાના ચાંચબંદરમાંથી પણ ત્રણ ઉઘાડપગા ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં.

સમગ્ર અમરેલી જીલ્લાના બોગસ તબીબ વર્તુળમાં આજે ભારે હલચલ હતી. કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા ઉઘાડપગા ડોક્ટરો પર ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતાં. બાબરા તાલુકાના દેવળીયા ગામે જીવરાજ મોહનભાઇ મોવલીયા નામના શખ્સ પાસે એલોપથી સારવારની કોઇ ડીગ્રી ન હોવા છતાં અને માત્ર વૈધ્યની ડીગ્રી હોવા છતાં તેણે દેવળીયામાં દવાખાનુ ખોલી નાખ્યુ હતું અને આ દવાખાનામાં એલોપેથી સારવાર શરૂ કરી લોકોની જીંદગી સાથે ખીલવાડ શરૂ કર્યો હતો.

બાતમીના આધારે અમરેલીના જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ તથા જુનાગઢ આરઆરસેલના સ્ટાફે આજે બપોરે તેના આ કથીત દવાખાના પર દરોડો પાડ્યો હતો અને લોકોની સારવાર કરતા રંગે હાથ ઝડપી લેવાતા ડોક્ટર પટેલ દ્વારા તેની સામે બાબરા પોલીસ મથકમાં ફોજદારી ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આવા જ ત્રણ બોગસ તબીબો રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે ઝડપાયા હતાં. રાજુલાના બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. બી.ડી. ગોહિલ તથા મરીન પોલીસ મથકના પીએસઆઇ તડવી અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી.

અહિં જુદા જુદા ત્રણ શખ્સો કોઇ ડીગ્રી વગર જ તબીબી પ્રેકટીસ કરતા હોવાની બાતમી મળી હતી. જેને પગલે અહિં ભીમ ગંગાભાઇ ચૌહાણ, અશોક જીવનભાઇ સરવૈયા અને મનોજ જોષી નામના શખ્સોની બોગસ તબીબી પ્રેકટીસ કરતા ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ત્રણેય શખ્સો ચાંચબંદરના વિશાળ વિસ્તારમાં તબીબી ડીગ્રી વગર જ લોકોની સારવાર કરી તેમની જીંદગી સાથે ખીલવાડ કરતા હતાં. જેને પગલે ત્રણેય સામે મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા બોગસ તબીબોનો રાફડો ફાટેલો છે.

- બોગસ તબીબોના દવાખાના ધડાધડ બંધ થયા

ગ્રામ્ય વિસ્તારો પર આવા ડીગ્રી વગરના ડોક્ટરોનો કબજો છે. ત્યારે આજે બાબરા અને રાજુલા તાલુકામાં એક સાથે ચાર બોગસ તબીબોને ઝડપી લેવામાં આવતા આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતાં. જેને પગલે અન્ય ગામડાઓમાં આવા બોગસ તબીબોના હાટડાઓ ધડાધડ બંધ થઇ ગયા હતાં.જો નક્કર કાર્યવાહી નહી થાય તો આ હાટડાઓ આવતીકાલથી જ ધમધમવા લાગશે.

- ખેરા, વિકટર અને પટવામાં પણ અનેક બોગસ તબીબ

રાજુલા તાલુકાના ચાંચ, ખેરા, પટવા અને વિકટર જેવા ગામોમાં આ પ્રકારના અનેક બોગસ તબીબો ડીગ્રી વગર જ લોકોની સારવાર કરી તેના જીવન સાથે રકમ કરી રહ્યા છે. આ વિસ્તાર પછાત છે. લોકોમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછુ છે. વળી રાજુલાથી દુરના વિસ્તારો છે જેને પગલે આવા બોગસ તબીબોની દુકાનો ધમધોકાર ચાલે છે.