અમરેલીઃ સરપંચ-માજી સરપંચના જુથ વચ્ચે માથાકૂટ, હવામાં ફાયરીંગ, 5ને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે ગઇકાલે સાંજે સરપંચ અને માજી સરપંચના જુથ વચ્ચે ગટરના કામ બાબતે બોલાચાલી થયા બાદ સશસ્ત્ર મારામારી થતા પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. જે તમામને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. પટેલ સરપંચે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરતા આ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે.
ઘર સામે ગટરનું કામ કરવાના મુદે કુહાડી અને લાકડીના ઘા એકબીજાને ઝીંક્યા

સરપંચ અને માજી સરપંચના જુથ વચ્ચે ઘાતક હથીયારો વડે મારામારી અને હવામાં ફાયરીંગની આ ઘટના ગઇકાલે સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે બની હતી. અહિંના રમેશભાઇ મેરામભાઇ રબારી (ઉ.વ. 27) નામના યુવાને આ બારામાં ગામના સરપંચ પ્રકાશ હિંમતભાઇ પાનસુરીયા ઉપરાંત હિંમત પાનસુરીયા, છગનભાઇ અને અતુલ છગનભાઇ નામના શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે પ્રકાશભાઇ ગામના સરપંચ છે અને હાલમાં તેના ઘર સામે ગટરનું કામ ચાલુ હોય તેણે સરપંચને આ ગટરનું કામ અમને નડે છે તેમ કહ્યુ હતું. જેથી પ્રકાશભાઇએ હું સરપંચ છું, અને હું કહુ તેમ થાય તેમ કહી બોલાચાલી કરી હતી.

બાદમાં ચારેય શખ્સોએ તેને લાકડી અને કુહાડીના ઘા માર્યા હતાં અને તેની સાથે રહેલા મેહુરભાઇને પણ માથામાં લાકડીનો ઘા ઝીંક્યો હતો. સરપંચ પ્રકાશ પાનસુરીયાએ પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ પણ કર્યુ હતું. બનાવ અંગે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે સરપંચ પ્રકાશભાઇ પાનસુરીયાએ તે જ ગામના તેજાભાઇ રામશીભાઇ રબારી, જયેશ તેજાભાઇ, મેરામ રામશીભાઇ, રમેશ મેરામભાઇ, કાબા મેરામભાઇ સહિત દશ શખ્સોના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યુ હતું કે તેઓ ગામમાં ગટરનું કામ કરાવતા હોય તે કામ બંધ કરાવી માથામાં કુહાડીનો ઘા મારી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેમની સાથે રહેલા છગનભાઇ શામજીભાઇને લાકડી વડે માર માર્યો હતો અને પાયલબેનને પણ માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે બનાવ અંગે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો છે.
અન્ય સમાચારો પણ છે...