અમરેલીમાં કાતીલ ઠંડા પવનથી જનજીવન ઠપ્પ, જિલ્લામાં વધુ અડધાથી પોણો ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભારે પવનથી શહેરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, શહેરમાં 21 કિમીની ઝડપે પવન ફૂંકાયો
- હજુ 55 કિમીની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગની આગાહી
અમરેલી: અમરેલીમાં આમ તો છેલ્લા ચાર દિવસથી મેઘ સવારી શરૂ થઇ છે અને ગઇકાલે અનરાધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે વરસાદનું પ્રમાણ ઘટ્યુ હતું પણ જાણે મીની વાવાઝોડુ ફુંકાતુ હોય તેમ તેજ ગતિથી પવન ફુંકાયો હતો. અતિભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હોય તેમ અમરેલી શહેરનું જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. આજે અમરેલીમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાબરા, બગસરા, લાઠી, વડીયામાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો.

સમગ્ર અમરેલી જીલ્લો આજે વરસાદી માહોલની વચ્ચે ભારે પવનની ઝપેટમાં આવી ગયો હતો. આમ તો છેલ્લા ચાર દિવસથી જીલ્લાભરમાં મેઘ સવારી ચાલે છે. આજે પણ અમરેલી જીલ્લામાં આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું અને દિવસભર આકાશમાંથી ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. પરંતુ ટાઢાબોળ પવને લોકોને પરેશાન કરી મુક્યા હતાં. અમરેલી શહેરમાં સવારથી જ આકાશ ટપકતુ હતું અને ભારે પવન ફુંકાયો હતો. જેને પગલે આખો દિવસ જનજીવન પ્રભાવિત રહ્યુ હતું. શહેરની બજારો દિવસભર સુમસામ રહી હતી. અનેક વેપારીઓની દુકાનો પણ બંધ જવા મળી હતી.
ખાસ કરીને બપોરના સમયે તો શહેરની બજારમાં કરફ્યુ જેવું વાતાવરણ હતું. શરીરની આરપાર નિકળતો હોય તેવા ઠંડા પવને લોકોને ધ્રુજાવી મુક્યા હતાં. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ હતું કે સવારથી સાંજ સુધીમાં અમરેલીમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આવી જ સ્થિતી અમરેલી જીલ્લાના અન્ય શહેરોની હતી. ઠંડા પવનની સાથે બાબરામાં 13 મીમી વરસાદ પડયો હતો. જ્યારે બગસરામાં 15 મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત ધારીમાં પાંચ મીમી, ખાંભામાં ચાર મીમી, લાઠીમાં 17મીમી, સાવરકુંડલામાં પાંચ મીમી અને વડીયામાં આઠ મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...