ધારીમાં મામલતદારની નજર સામે જ ત્રણ શખ્સોનો ક્લાર્ક પર પાઇપ વડે હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મકાન પડી જતા સરકારી સહાયના મુદે બોલાચાલી બાદ બઘડાટી બોલી

અમરેલી: કુદરતી આપદાના કારણે એક તરફ આમ આદમીને જબ્બર માર પડયો છે. સરકારી સહાય નગણ્ય છે. તંત્ર અણઘડ વહીવટ ચલાવી રહ્યુ છે ત્યારે હવે ઠેર ઠેર તંત્રની સહાયને લઇને ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. ધારીમાં મકાન પડી જતા તેની સહાયના મુદે બોલાચાલી થતા ચાર શખ્સોએ આજે સવારે મામલતદાર કચેરી સામે મામલતદારની હાજરીમાં જ ક્લાર્કને પાઇપ વડે માર મારી ઝુડી નાખતા આ બારામાં ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

ધારીની મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા અને જીરામાં રહેતા સૌરભભાઇ કેશવભાઇ મકવાણા (ઉ.વ. 28) નામના કડીયાકુંભાર યુવાન પર આ હુમલો થયો હતો. સૌરભભાઇ આજે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે બાઇક લઇને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં આવ્યા હતા ત્યારે મામલતદાર ઉંધાડ પણ હાજર હતાં. તે સમયે ત્રણ શખ્સો પાઇપ લઇ કચેરીની સામે રોડ પર આવ્યા હતાં. સૌરભભાઇ મોટર સાયકલ લઇ કચેરીની બહાર નિકળ્યા તે સાથે જ અહિંના અનવર નનુ લલીયાનો ભાઇ, તેનો પુત્ર ઝાવેદ અને ભત્રિજો એમ ત્રણેય શખ્સો પાઇપ લઇ તેના પર તુટી પડયા હતાં. ત્રણેય શખ્સોએ તેને પાઇપ વડે માર મારવા ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ સમયે મામલતદાર ઉંધાડ તથા વિમલભાઇ નામની વ્યક્તિએ દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતાં. ગામના દાનજીભાઇ ખોડાભાઇનું મકાન પડી ગયુ હોય તેને સહાય આપવાના મુદે અનવર નનુ લલીયાએ ગઇકાલે ક્લાર્ક સાથે બોલાચાલી કરી હતી. એટલુ જ નહી તેના પિતાને પણ ફોન કરી ધમકી આપી હતી. જ્યારે આજે મામલતદારની હાજરીમાં જ હુમલો કરી દીધો હતો. અગાઉ બાબાપુર સહિતના સ્થળોએ સરકારી સહાય અને સર્વેના મુદે બોલાચાલી અને મારામારીની ઘટનાઓ બની ચુકી છે. સૌરભ મકવાણાએ ચાર શખ્સો સામે ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.