સૌરાષ્ટ્રભરમાં મુરઝાતી મોલાત પર અમૃત વરસ્યું, ધરતીપુત્રો ગેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ આજે જીલ્લાભરમાં મેઘસવારી આવી પહોંચી હતી. અમરેલી જીલ્લાના 10 તાલુકામાં અડધા ઇંચથી લઇ અઢી ઇંચ વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો હતો. વાડી-ખેતરો પાણી પાણી થયા હતાં અને નદી-નાળાઓ પણ વહેવા લાગ્યા હતાં. અમરેલી શહેરમાં પણ દોઢ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં અઢી ઇંચ વરસી ગયો હતો. જેના કારણે નાવલી નદીમાં ભારે પુર આવ્યુ હતું. સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ થયો હતો. તો ધારીમાં બે ઇંચ વરસાદથી જનજીવને રાજીપો અનુભવ્યો હતો.

મતીરાળામાં બે, બાબાપુરમાં દોઢ ઇંચ

આજે લાઠી તાલુકાના મતીરાળા ગામે બે થી અઢી ઇંચ વરસાદ પડયો હતો. ગઇકાલે પણ અહિં આવો જ વરસાદ થયો હતો. તો અમરેલી તાલુકાના બાબાપુરમાં પણ બપોર બાદ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ટીંબીમાં કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ

જાફરાબાદ તાલુકામાં ટીંબીમાં પણ આજે બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયુ હતું. ટીંબી ઉપરાંત શેલણા, માણસા, મોટી મોલી વિગેરે ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
સાસણ, ચિત્રોડ અને ગીર જંગલમાં સવા ઇંચ વરસાદ
ગીર જંગલ સહીત સાસણ, ચિત્રોડ, ધાવા સહીતનાં ગ્રામ્ય પંથકમાં આજે સાંજે સાત વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયેલ. એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસતા પાણી વહેવા લાગ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો સાથે લોકોમાં હજુ ચોમાસુ બાકી હોવાની આશા બંધાઇ હતી. ગીર પંથકમાં સરેરાશ વરસાદ કરતા ચાલુ સીઝનમાં ઓછો વરસાદ હોય લોકોમાં ચિંતા જોવા મળતી હતી. આજે ગણપતિ વિસર્જન બાદ સંધ્યા સોનેરી ખીલવા સાથે વરસાદી માહોલ બંધાયેલ. સાડા 6 વાગ્યા બાદ વિજળીનાં કડાકા સાથે સાસણ, ચિત્રોડ, ભોજદે, ધાવા સહીત ગીર જંગલમાં વરસાદ શરૂ થયેલ. ચિત્રોડાનાં સરપંચ બાવચંદભાઇ પરમારએ જણાવેલ કે એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને ધીમીધારે વરસાદ હજુચાલુ છે.

નાઘેરમાં અનરાધાર 1 થી 4 ઇંચ
ઊના - ગીરગઢડા પંથકમાં ગુરૂવારે ગણેશ વિસર્જનનાં ભકિતમય માહોલમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો હતો. બીજી તરફ ગગનમાં મેઘાવી માહોલ વચ્ચે બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગેલ અને ઊનામાં વીજળીનાં કડાકા - ભડાકા સાથે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતાં શહેર પાણી - પાણી થઇ ગયું હતું. ભારે વરસાદથી એસટી બસ સ્ટેશન તળાવમાં ફેરવાઇ ગયું હતું. લાંબા વિરામ બાદ મેઘાની એન્ટ્રીથી લોકો ઝુમી ઉઠયાં હતાં. જયારે પંથકનાં સનખડા, ગાંગડા, સામતેર, ટીંબીમાં 4 ઇંચ, ભાચામાં દોઢ, ગીરગઢડા અઢી ઇંચ, જયારે ધોકડવામાં અઢી કલાકમાં 4 ઇંચ જેવું પાણી વરસી ગયું હતું.
અન્ય સમાચારો પણ છે...