ચલાલા વોર્ડ નં-1માં કેશડોલ્સ મુદ્દે ઉપવાસ આંદોલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહિલાઓ પાલિકાએ ધસી જઇ રામધુન બોલાવી ઉગ્ર રજૂઆત કરી

ચલાલા: જિલ્લામાં કુદરતી આપદાએ ભારે ખાનાખરાબી સર્જી છે. ધારીના ચલાલામા પણ ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ઘરવખરીને ભારે નુકશાન થયુ હતુ. આપદા બાદ હજુ સુધી ચલાલામા વોર્ડ નં-1માં કેશડોલ્સ નહી ચુકવવામા આવતા કે સર્વેની કામગીરી ન થતા આજરોજ આ વિસ્તારની મહિલાઓ રોષભેર પાલિકા કચેરીએ ધસી ગઇ હતી અને ઉપવાસ પર ઉતરી રામધુન બોલાવી ઉગ્ર વિરોધ કરાયો હતો.

ચલાલામાં ભારે વરસાદ થવાથી વોર્ડ નં-1મા ભારે નુકશાન થયુ છે. અહી ઘરોમાં પાણી ઘુસી જતા ગરીબ પરિવારોની ઘરવખરીને નુકશાન પહોંચ્યુ છે. વરસાદ બાદ હજુ સુધી વહિવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં કેશડોલ્સ કે સર્વેની કામગીરી કરવામા ન આવતા આજરોજ વોર્ડ નં-1ની મહિલાઓ પાલિકાએ ધસી ગઇ હતી અને ચીફ ઓફિસર અને પ્રમુખ સામે ઉગ્ર રજુઆતો કરી ઉપવાસ પર ઉતરી ગયા હતા.

ચલાલાના દરેક વિસ્તારોમાં કેશડોલ્સ અને સહાયની ચુકવણીકરવામા આવી છે પરંતુ વોર્ડ નં-1મા કોઇ જ પ્રકારની કામગીરી થઇ નથી જેથી આ વિસ્તારના રહિશોમા રોષ જોવા મળ્યો હતો. રહિશોએ જણાવ્યું હતુ કે હજુ સુધી અમારા વિસ્તારોમાં સર્વે માટે કોઇ અધિકારીઓ ડોકાયા પણ નથી. મહિલાઓએ પાલિકામાં રામધુન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. વોર્ડ નં-1ના સદસ્ય જયરાજભાઇ વાળા અને પરેશભાઇ કાગથરોટીયાએ આ અંગે ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાને જાણ કરતા તેઓ અહી દોડી આવ્યા હતા. ધારાસભ્યએ અહી દોડી આવી મામલતદારને સ્થળ પર બોલાવી અસરગ્રસ્તોને તાકિદે કેશડોલ્સ ચુકવવા અને સર્વેની કામગીરી કરવા જણાવ્યું હતુ. બાદમાં ખાતરી મળતા મહિલાઓએ ઉપવાસ આંદોલન સમેટી લીધુ હતુ.

વોર્ડ ભાજપનો પાલિકા કોંગ્રેસની- સદસ્ય વાળા

ચલાલા વોર્ડ નં-1ના સદસ્ય જયરાજભાઇ વાળા અને પરેશભાઇ કાથરોટીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે નગરપાલિકા કોંગ્રેસની છે જયારે વોર્ડ નં-1 ભાજપનો હોય સ્થાનિક તંત્ર દ્વારા રાગદ્રેષ રાખવામા આવી રહ્યો છે. જેથી સર્વે નહી કરાતા સહાય ચુકવણીમા વિલંબ થયો છે.

વડીયા પંથકના અનેક ગામોમાં કેશડોલ્સ ન ચુકવાતા રોષ

વડીયા પંથકમાં આવેલી કુદરતી આફતે ભારે ખાનાખરાબી સર્જી દીધી હતી. અહીના બાટવા દેવળી, ભુખલી સાથળી સહિતના ગામોમાં પણ ભારે તારાજી સર્જાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી અનેક ગામો અને વિસ્તારોમાં કેશડોલ્સ ચુકવવામા આવ્યા ન હોય આ પ્રશ્ને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી. વડીયાના બાટવા દેવળી અને ભુખલી સાથળી ગામોના લોકો દ્વારા પાઠવવામા આવેલ આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે અહીના અનેક અસરગ્રસ્ત લોકોને હજુ સુધી કેશડોલ્સની સહાય મળી નથી. આ પ્રશ્ને બાટવા દેવળી ગામે આવેલ ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીને પણ રજુઆત કરવામા આવી હતી. હોનારત બાદ પણ હજુ સુધી સહાય ન મળતા અહીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મામલતદારે જણાવ્યું હતુ કે કેશડોલ્સની રકમ માત્ર જેઓના ઘરમાં પાણી ઘુસી ગયુ હોય તેમને જ મળવાપાત્ર છે.