તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી: ચિરંજીવી યોજના કૌભાંડમાં અહેવાલ આપવા તંત્રને તાકીદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડિગ્રી વિનાના તબીબો લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા છે, 30 દિવસમાં રિપોર્ટ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે: પંચ

અમરેલી: સરકાર કરોડોનો ખર્ચ કરી અમરેલીમાં સિવીલ હોસ્પિટલ ચલાવે છે. પરંતુ સિવીલ હોસ્પિટલ અને જીલ્લાની અન્ય હોસ્પિટલોની ખામીયુક્ત સેવા અંગે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા વહીવટમાં કોઇ સુધારણા કરાતી ન હોય ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા માનવ અધિકાર આયોગમાં રજુઆત કરાઇ હતી. જેને પગલે માનવ અધિકાર આયોગે આરોગ્ય તંત્રએ એક નોટીસ પાઠવી 30 દિવસમાં અહેવાલ મંગાવ્યો છે અને રીપોર્ટ નહી મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયુ છે.

અમરેલી સિવીલ હોસ્પિટલ અનેક સુધારણાઓ માંગી રહી છે. સિવીલ હોસ્પિટલમાં તબીબો અને નર્સીંગ સ્ટાફ સહિતના સ્ટાફની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. જે ભરવા આઇએમએ દ્વારા વારંવાર રજુઆત કરાઇ હતી. આ ઉપરાંત આઇએમએ દ્વારા અમરેલી સિવીલ હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ કરવામાં આવે તથા પ્લેટલેટ્સની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. ગત એક વર્ષમાં અમરેલી જીલ્લામાં 21 પ્રસુતા મહિલાના મોત થયા હતાં. જેને પગલે માત્ર સિવીલ નહી પરંતુ દરેક તાલુકાના સીએચસી, પીએચસીમાં પણ બ્લડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવા માંગ કરાઇ હતી. જેના પ્રત્યે કોઇ ધ્યાન દેવાયુ નથી.
અમરેલી જીલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં ડીગ્રી વગરના ડોક્ટરો ખુલ્લેઆમ દવાખાનાઓ ખોલીને બેઠા છે અને લોકોની સારવારના બહાને તેમની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે. જેના પગલે દર્દીઓના મોતની ઘટનાઓ પણ બની ચુકી છે. આવા ડીગ્રી વગરના ડોક્ટરો સામે પગલા લેવા પણ આઇએમએ દ્વારા રજુઆત કરાઇ હતી. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા ભાગ્યે જ કોઇ પગલા લેવાયા હતાં. સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ધારકો માટે ચિરંજીવી યોજના ચલાવી સામાન્ય ખર્ચમાં દર્દીને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાય છે. પરંતુ કેટલાક ડોક્ટરો દર્દીઓ પાસેથી જુદા જુદા બહાને ઉપરનો વધારાનો ચાર્જ વસુલ કરી રહ્યા છે. જે અંગે રજુઆત કરાયા બાદ પણ કોઇ પગલા લેવાયા ન હતાં.

જીલ્લામાં ઠેકઠેકાણે ગેરકાયદે સોનોગ્રાફી સેન્ટરો પણ ખુલ્યા છે. જેમાં લાયકાત વગરના લોકો સોનોગ્રાફી કરતા હોવાની રજુઆત પણ ક્યારેય ધ્યાને લેવાઇ નથી. આરોગ્ય વિભાગ લોકોને સુવિધા આપવામાં તથા પ્રશ્નોના નિરાકરણમાં નિષ્ફળ ગયુ હોય આઇએમએના અધ્યક્ષ ડો. જી.જે. ગજેરા દ્વારા રાજ્ય માનવ અધિકાર આયોગને રજુઆત કરાઇ હતી. જેને પગલે આયોગ દ્વારા આરોગ્ય વિભાગને આ ખામીયુક્ત સેવાઓ અંગે નોટીસ પાઠવી 30 દિવસમાં અહેવાલ મંગાવ્યો છે.

ચિરંજીવી કૌભાંડની રીકવરી કરવા માંગ

આઇએમએ દ્વારા માનવ અધિકાર આયોગમાં રજુઆત કરાઇ હતી કે ચિરંજીવી યોજનાનો લાભ લેનારા દર્દીઓ પાસેથી જુદા જુદા બહાને રકમ પડાવી કૌભાંડ કરનારા પાસેથી આ રકમની રીકવરી કરી તે રકમ પેશન્ટને પાછી અપાવવા માંગ કરાઇ હતી.

સોનોગ્રાફી સેન્ટર પર દરોડા પાડવા માંગ

આઇએમએ દ્વારા એવી પણ રજુઆત કરાઇ હતી કે અમરેલી જીલ્લામાં ગેરકાયદે સોનોગ્રાફી સેન્ટરો પણ ખુલી ગયા છે. આવા ગેરકાયદે સોનોગ્રાફી સેન્ટર પર દરોડો પાડી કાર્યવાહી થવી જોઇએ અને આવા ગેરકાયદે સેન્ટર ચલાવનાર ડોક્ટર સામે પણ કાયદા હેઠળ કામ ચલાવવુ જોઇએ.
અન્ય સમાચારો પણ છે...