અમરેલીમાં છ ઇંચ વરસાદથી પાણી પાણી, જાફરાબાદમાં સાડા પાંચ ઇંચ ખાબકયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ અમરેલી પંથકમા વહેતી નદીઓ પરના મોટાભાગના ચેકડેમો ખાલી હતા. નદીઓના પટ્ટ સુકા હતા, પરંતુ ગઇરાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાની મોટાભાગની નદીઓમા બે કાંઠે પુર આવ્યા હતા. શેત્રુજી, ઠેબી અને ધાતરવડી નદી બે કાંઠે વહી હતી.
ચોમાસુ તેના અંત ભણી આગળ ધપી રહ્યુ છે તેવા સમયે અમરેલી જિલ્લામા જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ ચોવીસ કલાકમાં જિલ્લાભરમા બે ઇંચથી લઇ છ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી પાણીની સ્થિતી સર્જાઇ હતી. આજના ભરપુર વરસાદથી પાક ખીલી ઉઠશે. જળાશયોમા પણ નવા પાણીની આવક થઇ છે. અમરેલી શહેરમાં ગઇ મધરાતથી રવિવાર મોડી સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે શહેરમા ઠેરઠેર નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. ઠેબી નદીમા પુર આવ્યું હતુ. વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ઉપરાંત રાજુલામા પાંચ જાફરાબાદમાં સાડા પાંચ, બગસરામા પાંચ ઇંચ, વડીયા, સાવરકુંડલા, લીલીયા, લાઠીમા ચાર ઇંચ વરસાદ થયો હતો. તો ધારી અને ખાંભામા પણ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો. બાબરા પંથકમા સૌથી ઓછો માત્ર એક ઇંચ વરસાદ થયો હતો. જિલ્લાભરમા સાર્વત્રિક મેઘમહેરને પગલે ખેડૂતો હરખાઇ ઉઠયાં છે. કારણ કે આગામી દિવસોમા પાક ખીલી ઉઠશે અને સિંચાઇ માટે પણ થોડો ફાયદો થશે.
ગીર કાંઠામાં ભારે વરસાદથી શેત્રુજી-ઠેબી-ધાતરવડી બે કાંઠે

અમરેલી પંથકમા વહેતી નદીઓ પરના મોટાભાગના ચેકડેમો ખાલી હતા. નદીઓના પટ્ટ સુકા હતા, પરંતુ ગઇરાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાની મોટાભાગની નદીઓમા બે કાંઠે પુર આવ્યા હતા. શેત્રુજી, ઠેબી અને ધાતરવડી નદી બે કાંઠે વહી હતી.
શેત્રુજી નદી જયાંથી શરૂ થાય છે તે ગીરકાંઠાના વિસ્તારોમા આજે ભરપુર વરસાદ પડયો હતો જેને પગલે ખોડિયાર ડેમમા સમાતી નદીઓમા ભારે પુર આવ્યુ હતુ એટલુ જ નહી ડેમના હેઠવાસના વિસ્તારમા પણ ભારે વરસાદ હોય અમરેલી નજીકથી પસાર થતી શેત્રુજી નદી પુરપાટ વહી હતી. નદી પરના તમામ ચેકડેમો છલકાય ગયા હતા અને પાલિતાણાના શેત્રુજી ડેમમા પણ ભરપુર પાણી ગયુ હતુ.
આવી જ રીતે અમરેલીના પાદરમા વહેતી ઠેબી નદીમા પણ આજે ભારે પુર આવ્યું હતુ. અહીનો કામનાથ ડેમ તો અગાઉ જ છલકાઇ ગયો છે. આજે ભારે પુરથી તેમા રહેલી ગાંડીવેલ પણ તણાઇ ગઇ હતી. તો રાજુલાના ધાતરવડી નદીમા પણ ભારે પુર આવ્યું હતુ. જાફરાબાદ, વડીયા, સાવરકુંડલા, બગસરા પંથકમા પણ ભારે વરસાદથી નદીઓમા નીર વહેવા લાગ્યા હતા.
રાજુલા બાયપાસ નજીક મકાન પાણીમાં ગરકાવ
રાજુલામા ગતરાત્રીના જ વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદની શરૂઆત થઇ હતી અને આજે પણ દિવસભર અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે અહીના બાયપાસ નજીક વરસાદી પાણી ભરાઇ જતા અહી આવેલ એક પડતર મકાન અને મંદિર પાણીમા ડૂબી ગયા હતા.

અમરેલી શહેરમાં એસટી બસ ભુગર્ભ ગટરમાં ફસાઇ: હાલાકી

અમરેલીમાં આજે બપોરે ભારે વરસાદની સ્થિતી વચ્ચે રાજકોટ મહુવા રૂટની એસટી બસ લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ભુગર્ભ ગટરમા ફસાઇ ગઇ હતી. બસના મુસાફરોને કાચ તોડી બસની બહાર કાઢવા પડયા હતા. સદભાગ્યે આ અકસ્માતમા કોઇને ઇજા પહોંચી ન હતી. અકસ્માતની આ ઘટના આજે બપોરે સાડા ચારેક વાગ્યાના સુમારે અહીના લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ નજીક બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ મહુવા રૂટની એસટી બસ બપોરના સમયે અમરેલીમા ભારે વરસાદ પડી રહ્યો હતો તે સમયે સંકુલ સામેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક જ બસ ભુગર્ભ ગટરના ખાડામા ફસાઇ ગઇ હતી. બસ ખાડામા એ રીતે ફસાઇ હતી કે તેનો દરવાજો પણ લોક થઇ ગયો હતો.

આ અકસ્માતમા કોઇને ઇજા પહોંચી ન હતી પરંતુ ભારે દેકારો થઇ ગયો હતો. આસપાસમાથી લોકો મદદે દોડી આવ્યા હતા. અને બસનો ઇમરજન્સી કાચ તોડી નાખી મહામુસીબતે તમામ મુસાફરોને બહાર કાઢયા હતા. અમરેલીમાં ભુગર્ભ ગટરનુ કામ અધુરૂ છોડી દેવાયુ છે જેને પગલે ઠેકઠેકાણે દરરોજ અકસ્માતો સર્જાઇ રહ્યાં છે.

અમરેલીમાં વરસાદ પડતા જ વીજ પુરવઠો ઠપ્પ

અમરેલી શહેરમા વરસાદના આગમન સાથે જ પીજીવીસીએલની ચોમાસાની તૈયારીની પોલ ખુલી ગઇ હતી. અને ચોવીસ કલાક સુધી શહેરના વિવિધ વિસ્તારોમા સતત વિજ પુરવઠો ખોરવાતો રહ્યો હતો.
આકાશમા વાદળો છવાતા જ પીજીવીસીએલના કર્મચારીઓ જાણે ગભરાઇ ઉઠતા હોય તેમ વિજ પુરવઠો બંધ કરી દે છે. ચાલુ વરસાદે તો વિજ પુરવઠો શરૂ રાખવાની જાણે મનાઇ જ આવી ગઇ છે. વરસાદના દિવસોમા અવારનવાર આ પ્રકારની સ્થિતી જોવા મળી રહી છે. અમરેલી શહેરમા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અવારનવાર વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ગઇ મધરાતે વરસાદ શરૂ થતા જ શહેરના મોટાભાગના વિસ્તારમા વિજ પુરવઠો કાપી નખાયો હતો. જે માંડ વહેલી સવારે પુર્વવત થયો હતો. આવી જ રીતે આજે દિવસ દરમિયાન જુદાજુદા વિસ્તારમા અવારનવાર વિજ પુરવઠો ખોરવાયો હતો. જેના પગલે નગરના લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...