Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીગ્રી વગરના તબીબે ઇન્જેક્શન આપતાં સગર્ભાનું મોત
અમરેલી જીલ્લામાં લાયકાત અને ડીગ્રી વગરના ડોક્ટરો ખુલ્લેઆમ હાટડાઓ ખોલી લોકોની સારવાર કરી તેમની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યાની વ્યાપક ફરીયાદો વચ્ચે અમરેલીની એક સગર્ભા પરિણીતાએ આવા જ એક મહિલા તબીબ પાસે સારવાર કરાવ્યા બાદ ગણતરીની મીનીટોમાં જ તેનું મોત થઇ ગયુ હતું. જેને પગલે બે ડોક્ટરની પેનલથી પીએમ કરાયા બાદ પણ પરિવારે મહિલા ડોક્ટર સામે પગલા ન લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. આખરે પોલીસે મોડેથી આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરતા પરિવારે મહિલાની લાશ સ્વીકારી હતી.
અમરેલીના બહારપરામાં ગાયત્રી મંદિર મોક્ષધામ પાસે રહેતી કાજલબેન મહેશભાઇ ડાભી (ઉ.વ. 23) નામની પરિણીતાને પાંચ માસનો ગર્ભ હોય આ પરિણીતાએ બટારવાડીના ખુણે આવેલ અેક મહિલા ડોક્ટરને ત્યાં ગઇકાલે સારવાર લીધી હતી. એ ડોક્ટર પાસે કોઇ વિશેષ ડીગ્રી ન હોવા છતાં અહિં પ્રસુતિ સ્ત્રી રોગોની સારવાર કરવામાં આવી રહી છે. એક રીતે પ્રસુતા મહિલા અને તેના પેટમાં રહેલા બાળકોની જીંદગી સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવામાં આવે છે અને આ બધુ આરોગ્ય તંત્રના નાક નીચે થતુ હોવા છતાં ખુલ્લેઆમ ચાલવા દેવામાં આવે છે.
જિલ્લામાં ગેરકાયદે ગર્ભપાત કરી દેતા અનેક સેન્ટરો ધમધમી રહ્યા છે. આમ પ્રસુતા મહિલાને પેટમાં દુ:ખાવો થતા તેને મહિલા ડોક્ટર પાસે લઇ જવાઇ હતી. જ્યાં તેણે એક ઇન્જેક્શન આપતા જ આ સગર્ભા બેભાન થઇ ગઇ હતી અને ગણતરીની મીનીટોમાં જ તેમનું મોત થઇ ગયુ હતું. બાદમાં અમરેલી સિવીલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મહિલાનું મોત તબીબની બેદરકારીથી થયુ હોવાનો આક્ષેપ થતા આ મહિલાની લાશને ડોક્ટરોની પેનલથી પોસ્ટ મોર્ટમ કરાવવા માટે ભાવનગર મેડીકલ કોલેજમાં ખસેડાઇ હતી. ભાવનગર ખાતે પીએમ કરાયા બાદ આ પરિણીતાના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
મહિલાની જીંદગી સાથે ચેડા કરી તેને રગદોળી નાખનાર તબીબ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે આ મહિલાની લાશને અમરેલી સિટી પોલીસ સ્ટેશન સામે રાખી દેવાઇ હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં. જીલ્લા પોલીસ વડા પણ અહિં દોડી આવ્યા હતાં. પોલીસે આ અંગે જવાબદારો સામે ગુનો દાખલ કરવાની ખાતરી આપ્યા બાદ સાંજે આખરે પરિવારે લાશ સ્વીકારી હતી અને તેની અંતિમવિધી કરવા તજવીજ હાથ ધરાઇ હતી.
કોઇ ડીગ્રી વગર જ કરે છે પ્રેકટીસ : IMA
અમરેલી જીલ્લા આઇએમએના પ્રમુખ ડો. જી.જે. ગજેરાએ જણાવ્યુ હતું કે આ કહેવાતી મહિલા તબીબ પાસે કોઇ ડીગ્રી નથી. મહિનાની ટ્રેનીંગના સર્ટી.ના આધારે સગર્ભાઓની પણ સારવાર કરી જીંદગી સાથે ખીલવાડ કરે છે. હજુ આઠ દિવસ પહેલા જ ડીડીઓને જીલ્લાભરના બોગસ તબીબોનું લીસ્ટ આઇએમએ દ્વારા સોંપાયુ હતું. જેમાં આ તબીબનું નામ પણ હતું પરંતુ કોઇ પગલા લેવાયા નહી.
2015માં પણ એક મહિલાનું મોત થયું હતું
આ દવાખાનામાં 2015માં પણ આ જ રીતે એક મહિલાનું મોત થયુ હતું. નયનાબેન મકવાણા નામની મહિલાનું આ રીતે મોત થયા બાદ ફરીયાદ પણ કરાઇ હતી. જો કે બાદમાં મામલો રફે દફે કરી દેવાયો હતો. અને તેના પતિ સહિત આખો પરિવાર અહિં સારવાર કરે છે.
આરોગ્ય અધિકારીઓની નિષ્ક્રિયતા : જિ. પં. પ્રમુખ
જીલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ બનાવ અંગે જણાવ્યુ હતું કે આરોગ્ય અધિકારીઓની નિષ્ક્રિયતાથી આવા બનાવો બની રહ્યા છે. ઉઘાડપગા ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા હોય માનવમૃત્યુ થાય છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
પીએમ
ખાતરી
માંગ
ભાવનગર મેડીકલ કોલેજ ખાતે લાશનું પીએમ કરાયું
પોલીસ વડાએ આકરા કાનુની પગલાંની ખાતરી આપ્યા બાદ જ લાશ સ્વીકારાઇ
ડોક્ટર સામે પગલાં લેવાની માંગ સાથે મહિલાની લાશ પોલીસ મથકે રાખી દીધી
અમરેલીમાં બોગસ તબીબો અને ગેરકાયદે ગર્ભપાત કેન્દ્રો સામે તંત્ર ક્યાં સુધી આંખ મીચામણાં કરશે ?
_photocaption_પરિવારનાં સભ્યો એકત્રિત થયા હતા અને પોલીસ પણ બોલાવાઇ હતી. તસ્વીર - જયેશ લીંબાણી*photocaption*
ગુનો નોંધાવા આરોગ્ય વિભાગને જાણ કરી છે : પીઆઇ |અમરેલી સીટી પીઆઇ ખેરે જણાવ્યુ હતું કે મૃતક મહિલાના પરિવારે બહારપરાના ડોક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી છે. પોલીસે યોગ્ય કાનુની પગલાની ખાતરી આપી છે. તાલુકા હેલ્થ ઓફીસરને આ અંગે ફરીયાદ કરવા પોલીસ મથકે બોલાવાયા છે.