તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂરખીયા જવા આજે સાંજથી 1 લાખ લોકો રવાના થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુરખીયામાં હનુમાન જ્યંતી પર દર વર્ષે હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શનાર્થે પહોંચે છે. આસપાસના વિસ્તારમાંથી આગલી સાંજે જ આ પદયાત્રાનો આરંભ થઇ જાય છે. અમરેલીથી ભુરખીયા સુધીના 36 કીમીના માર્ગ પર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા પદયાત્રી માટે સેવાકેન્દ્રો ઉભા કરવાની વ્યવસ્થા કરાઇ છે.

અમરેલીથી ભુરખીયા સુધી શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટશે. શુક્રવારે હનુમાન જ્યંતીના પાવન પર્વ પર દર વર્ષે જગપ્રસિધ્ધ ભુરખીયા હનુમાન મંદિરે ભાવિકોની ભારે ભીડ ઉમટે છે. આ વર્ષે અહિં એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટશે તેવી ગણતરી રખાઇ રહી છે. અહિં મોટાભાગના શ્રધ્ધાળુઓ આસપાસના વિસ્તારમાંથી પદયાત્રા કરીને ભુરખીયા પહોંચે છે. અહિં વહેલી સવારે હનુમાનજી મહારાજની આરતી થાય તે પહેલા જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને ભુરખીયા પહોંચી જાય છે.

આવતીકાલ સાંજથી જ અમરેલીથી ભુરખીયા જવા માટે પદયાત્રાનો આરંભ થઇ જશે. ભુરખીયામાં ઘણા શ્રધ્ધાળુઓ 100 કીમીની પદયાત્રા કરીને પહોંચે છે. અમરેલી તથા આસપાસના વિસ્તારમાંથી શ્રધ્ધાળુઓનો આ પ્રવાહ સાંજના પાંચ વાગ્યા પછી શરૂ થશે. બીજી તરફ જુદી જુદી સંસ્થાઓ દ્વારા માર્ગમાં સેવાકેન્દ્રોનું આયોજન કરાયુ છે. જે શ્રધ્ધાળુઓને પીવાના પાણીથી લઇ શરબત, નાસ્તા સુધીની સુવિધાઓ પુરી પાડશે. ભુરખીયામાં જે રીતે અમરેલી-લાઠી તરફથી પદયાત્રીઓ પહોંચે છે તે જ રીતે ગારીયાધાર, દામનગર તરફથી તથા ઢસા, ગઢડા તરફથી લોકો આવશે.

પોલીસની કસોટી : ચુંટણી, મોદી બાદ પદયાત્રા બંદોબસ્ત
એક તરફ પોલીસ કર્મચારીઓને ચુંટણીના બંદોબસ્ત માટે દોડાદોડી કરવી પડી રહી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમરેલી આવી રહ્યા હોય પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે અને તેમની સભા બાદ સાંજથી પદયાત્રા અને બીજા દિવસે ભુરખીયાના બંદોબસ્તની જવાબદારી પોલીસ પર આવી છે.

ભૂરખીયામાં યોજાશે લોકમેળો |અહિં હનુમાન જ્યંતી પર આરતી અને હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત લોકમેળો પણ યોજાશે. અહિં શ્રધ્ધાળુઓ માટે મહા પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...