કોંગ્રેસ આજે સાંસદના ઘરનો ઘેરાવ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં ચૂંટાયેલા આગેવાનો અને હોદેદારો તથા કાર્યકરો ઉમટી પડશે

અમરેલીજીલ્લામાં નોટબંધીને લઇને કોંગ્રેસે આંદોલનોની હારમાળા સર્જી છે. આવતીકાલે રવિવારે પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર અને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં કોંગી કાર્યકરો દ્વારા સાંસદના ઘરનો ઘેરાવ કરવામાં આવશે.

અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીને લઇને પાંચ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત અગાઉ કલેક્ટર કચેરીમાં શાકભાજી અને દુધ ફેંકી ખેડૂતો અને પશુપાલકોને પડતી અગવડતા અંગે આવેદનપત્ર અપાયુ હતું. જ્યારે ગઇકાલે અહિંના નાના બસસ્ટેન્ડ ચોકમાં ચક્કાજામ આંદોલન કરી કોંગી આગેવાનોએ ધરપકડ વ્હોરી હતી. હવે આવતીકાલે સાંસદના ઘરનો ઘેરાવ કરાશે.

કોંગીના માજી સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઇ કાનાબાર ઉપરાંત નગરપાલીકાના સદસ્યો, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, યુવક કોંગ્રેસ, એનએસયુઆઇ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, ઓબીસી સેલના કાર્યકરો વિગેરે બપોરે ત્રણ કલાકે પૂર્વ સાંસદના કાર્યાલયે એકઠા થશે અને ત્યાંથી સાંસદ નારણભાઇ કાછડીયાના ઘરને ઘેરાવ કરવા જશે.

ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરથી 500-1000ની જૂની ચલણી નોટ બંધ થયા બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનાં વિરોધમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

યુવક કોંગ્રેસનો કાર્યક્રમ મુલત્વી

દરમીયાનઅમરેલી ખાતે આજે યુવક કોંગ્રેસ દ્વારા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરાયુ હતું. જો કે આજે બેંકોમાં રજા હતી અને યુવક કોંગ્રેસના કાર્યકરોને બાઇક રેલી સાથે બેંકોમાં જઇ લોકોને સમજાવટનો કાર્યક્રમ હોય કાર્યક્રમ આજે મુલતવી રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...