ક્રાઇમ રીપોર્ટર| જૂનાગઢ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર| જૂનાગઢ

જૂનાગઢનાં પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા આજે વ્હેલી સવારે ડેરવાણ ચોકડીએ આવેલી પોતાની વાડીએ કારમાં જઇ રહ્યા હતા. ત્યારે નોબલ એન્જીનિયરીંગ કોલેજથી આગળ જતાં સર્પાકાર વળાંક પાસે અમરેલીથી આવતી ચણા ભરેલી ટ્રક સાથે તેમની કાર ટકરાઇ હતી. જેમાં તેમનું ઘટનાસ્થળેજ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની ઘાયલ થતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.જૂનાગઢનાં પૂર્વ મેયર જીતુભાઇ વલ્લભભાઇ હિરપરા (ઉ. 54) આજે વ્હેલી સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની જીજે 11 એબી 1546 નંબરની ફેબિયા સ્કોડા કારમાં ડેરવાણ ચોકડીએ આવેલી પોતાની વાડીએ જઇ રહ્યા હતા. ત્યારે ચોકડીથી 150 મીટર પહેલાંજ સર્પાકાર વળાંકમાં સામેથી આવતા જીજે 01 ટી 6981 નંબરનાં ચણા ભરેલા ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં જીતુભાઇનું ઘટનાસ્થળેજ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની ભાવનાબેનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં ટ્રક સાથે ટકરાયા બાદ કાર રીવર્સમાં 25 ફૂટ સુધી ઢસડાઇ ચકરડી ફરીને પલ્ટી ખાઇ ગઇ હતી.બનાવની જાણ થતાં જૂનાગઢનાં તમામ પક્ષોનાં રાજકીય આગેવાનો સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતા. વ્હેલી સવારમાં બનેલી ઘટના ફોટા સાથે સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ ગઇ હતી. આથી હોસ્પિટલે પણ લોકોની ભીડ વધવા લાગી હતી. જીતુભાઇનાં મૃતદેહનું પીએમ કરાયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયો હતો. તેમને સંતાનોમાં એક પુત્ર શિવરાજ અને પુત્રી હેમાંશી છે. જેમાં પુત્ર રાજકોટમાં ઇજનેરી અને પુત્રી નોબલ ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું પણ જાણવા મળયું છે. જીતુભાઇનાં પત્ની ભાવનાબેનની તબિયત રાજકોટમાં સુધારા પર હોવાનું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન તેમની તબિયત જોવા પણ ત્યાં પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકનું નામ પરસોત્તમભાઇ છગનભાઇ મકવાણા હોવાનું અને બનાવ બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાલકનાં સંબંધીઓનાં જણાવ્યા મુજબ, ટ્રકમાં 240 કટ્ટા ચણાના બાચકાં હતા. અને તે અમરેલીથી જૂનાગઢ યાર્ડમાં આવી રહ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ટ્રકનો સ્ટીયરીંગ રોડ તૂટી ગયો હતો. પરિણામે ટ્રકનાં વ્હીલ આપોઆપ વળી ગયા હતા. અને તે અડધું ચક્કર કાપીને પલ્ટી ખાઇ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.