અમરેલીની મરચા બજારમાં ભિષણ આગથી અફડા તફડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકળ રીતે આગ લાગતા વગર કારણે હજારો લોકોને મરચાની ધુમાડી લેવી પડી : પાલિકાના ફાયર ફાઇટરે આગ પર લીધો કાબુ

અમરેલીમાંઆજે રૂક્ષ્મણીબેન બાલમંદિર ખાતે મરચા બજારનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. જો કે ઉદઘાટનના પ્રથમ દિવસે કોઇ અકળ કારણે આજે મરચાના જથ્થામાં અચાનક આગ ભભુકી ઉઠતા મોટા જથ્થામાં મરચા બળી ગયા હતાં. આગને કારણે ધુમાડે થતા દુર દુર સુધી લોકોને તેનાથી તકલીફ વેઠવી પડી હતી. જો કે પાલીકાના ફાયર બ્રીગેડના સ્ટાફે બાદમાં અહિં દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે અડધી કલાક સુધી મરચા માર્કેટમાં અફડા તફડી મચી ગઇ હતી.

જે સ્થળે નગરપાલીકાની કેટલીક શાખાએ બેસે છે તે અમરેલીના રૂક્ષ્મણીબેન બાલમંદિરના મેદાનમાં ગત વર્ષની જેમ વર્ષે પણ મરચા બજાર ઉભી કરવામાં આવી છે. આમ તો અહિં નગરપાલીકાના સફાઇ માટેના વાહનો પણ ઉભા રહે છે પરંતુ આજે સ્થળે મરચા બજારનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. અહિં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં મરચાના સ્ટોલ લાગી ગયા હતાં અને ખુલ્લામાં મરચાના વિશાળ ઢગલાઓ ખડકી દેવાયા હતાં. જો કે સાડા દસેક વાગ્યા પછી ખુલ્લામાં પડેલા મરચાઓના ઢગલામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની શરૂઆત મરચાના એક ઢગલાથી થઇ હતી અને જોતજોતામાં જુદા જુદા ઢગલાઓમાં તે પ્રસરી ગઇ હતી. જેના કારણે અફડા તફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. જુદા જુદા વેપારીઓએ પોતાના મરચા બચાવવા ભારે દોડધામ કરી મુકી હતી. તાબડતોબ અહિં અમરેલી પાલીકાના ફાયર બ્રીગેડના સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર ફાઇટરે દોડી આવી મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ઘણુ મોટુ નુકશાન થઇ ચુક્યુ હતું.

અમરેલીમાં આજે તેજ પવન પણ ફુંકાયો હતો. મરચાનો ધુમાડો અહિં બેસતી પાલીકાની શાખામાં જતા કર્મચારીઓને પણ કચેરી બહાર ભાગી જવુ પડયુ હતું. મરચાનો ધુમાડો આસપાસના રસ્તાઓ અને બજારો સુધી પહોંચ્યો હતો. જેના કારણે લોકોને આંખમાં બળતરા અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ થઇ હતી. તસ્વીર:જયેશ લીંબાણી

મરચાના ધુમાડાથી નાસભાગ

અન્ય સમાચારો પણ છે...