તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમને એ જાણીને નવાઇ લાગશે કે જેવી રીતે હિન્દુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમને એ જાણીને નવાઇ લાગશે કે જેવી રીતે હિન્દુ સમાજમા માણસના મૃત્યુ બાદ અગ્નિદાહ આપી શબનો નિકાલ કરાય છે તે જ રીતે ગીર જંગલમા કોઇ સાવજનુ મોત થાય ત્યારે તેના મૃતદેહનો પણ અગ્નિદાહ આપીને જ નિકાલ કરવામા આવે છે. માણસના મૃતદેહને અગ્નિદાહ માટે જેવી સગડીઓ સ્મશાનમા બનાવાય છે તેવી જ સગડીઓ સાવજો માટે પણ વનવિભાગે જુદાજુદા સ્થળે રાખી છે. તાજેતરમા દલખાણીયા રેંજમા મૃત્યુ પામેલા તમામ 23 સાવજોના મૃતદેહનો જુદાજુદા સ્થળે આ જ રીતે અગ્નિદાહ આપી નિકાલ કરવામા આવ્યો હતો.

સાવજ જેવી રીતે શાનથી જીવે છે તેવી જ રીતે તેના અંતિમ સંસ્કાર પણ શાનથી થાય છે. સામાન્ય રીતે જંગલમા વન્યપ્રાણીના મૃત્યુ બાદ તેના મૃતદેહનો કુદરતી રીતે નિકાલ થતો હોય છે. પરંતુ ગીરનો સાવજ અહીનુ ઘરેણું છે. જયારે કોઇપણ સાવજનુ મોત થાય ત્યારે તેનુ પોસ્ટમોર્ટમ અચુક કરવામા આવે છે. કયારેક બે ડોકટરની પેનલથી પણ પીએમ કરવામા આવે છે. શરીર પર દેખાતા નિશાનોના આધારે મોતનુ કારણ સ્પષ્ટ હોય તો પણ જરૂરી નમુનાઓ લેબોરેટરીમા મોકલાય છે અને પીએમ બાદ લાશને સળગાવી દઇ નિકાલ કરાય છે.

તાજેતરમા દલખાણીયા રેંજના જે 23 સાવજોના મોત થયા તે તમામ સાવજોના મૃતદેહને અગ્નિ સંસ્કાર અપાયો છે. ચાર સાવજોને ધારીના ભુતીયા બંગલે અગ્નિદાહ આપવામા આવ્યો હતો. જયારે ઇનફાઇટમા મરેલા ત્રણ સિંહબાળને જંગલમા જ સળગાવી દેવાયા હતા. જયારે 16 સાવજોના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે અગ્નિદાહ અપાયો હતો. જસાધારમા પીએમ રૂમની બાજુમા જ અગ્નિદાહની સગડી છે. આમપણ ગીરના વનતંત્ર પાસે કોઇ મૃતદેહને સાચવી શકાય તેવી આધુનિક સુવિધાઓ નથી. અગાઉ સિંહના મૃતદેહને જમીનમા દાટી દેવાતો હતો. પરંતુ આ પ્રથા વર્ષો પહેલા બંધ કરી દેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...