અમરેલી | ‘મે આ અમરેલ

પાલિકાની સભાનું આજનુ વરવુ દ્રશ્ય જોઇ કદાચ ડો.જીવરાજ મહેતા બોલી ઉઠયાં હોત alt145મે આ દ્રશ્ય જોવા અમરેલી...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:00 AM
Amreli - અમરેલી | ‘મે આ અમરેલ
93 મુદ્દા સાથે મળેલા બોર્ડમાં કોંગીનાં બળવાખોર પ્રમુખે ચર્ચા ન કરવા દઇ સભા 5 મિનીટમાં પૂર્ણ કરતા કોંગ્રેસના સભ્યોએ સામ-સામે ખુરશીઓ ફેંકી: એક મહિલા સભ્યનાં કપડાં ફાટ્યાં


અમરેલી | ‘મે આ અમરેલી નગરપાલિકાનુ આવુ દ્રશ્ય જોવા માટે અમરેલી જિલ્લાની રચના કરી ન હતી. પછાત ગણાતો અમરેલી પંથક અને તેના લોકો રાજયના અન્ય લોકોની સાથે કદમ મિલાવીને ચાલી શકે, આઝાદી અને વિકાસના મીઠા ફળ ચાખી શકે તે માટે અમરેલી જિલ્લાની રચના કરી હતી. તમારે આ શહેરને એક બાળકની જેમ ઉછેરી નવી ઉંચાઇ પર લઇ જવાનુ હતુ. પરંતુ તમે મારો આત્મા કકળી ઉઠે તેવુ કામ કર્યુ’. અમરેલી જિલ્લાના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા જો આજે હયાત હોત તો પાલિકાની આજની બેઠકનુ દ્રશ્ય જોઇ તેમના મુખેથી કદાચ આવા જ શબ્દો નીકળ્યા હોત. ડો.જીવરાજ મહેતાએ મુખ્યમંત્રી બનતાની સાથે જ અમરેલી જિલ્લાની રચના કરી ત્યારે આ પછાત વિસ્તારનો વિકાસ તેમનુ સ્વપ્નુ હતુ. પરંતુ હવે વિકાસના નામે સતાનુ રાજકારણ ચાલી રહ્યું છે. અમરેલી પાલિકામા પણ આજે કોંગ્રેસના સભ્યોએ વિકાસના નામે ખેલ પાડયો હતો. જો કે જનતાના મનમા સૌથી મોટો સવાલ એ છે કે આ તો વિકાસના નામે સતાનો ખેલ છે. ડો.જીવરાજ મહેતા આજીવન પોતાના આદર્શોને વળગી રહ્યાં હતા. કારણ કે ગાંધીવાદી હતા અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના ફેમીલી ડોકટર હતા. તેમણે અમરેલી જિલ્લાની રચના આવા દ્રશ્યો માટે હરગીસ કરી ન હતી. તેમની હયાતીમા આ ઘટના બની હોત તો ચૌક્કસ તેઓ અંદરથી રડી પડયા હોત.

અમરેલીની ભુમિ ગાયકવાડ સરકારની સંસ્કાર ભુમિ છે. જેમણે આ વિસ્તારમા ફરજીયાત મહિલા શિક્ષણ દાખલ કરાવ્યું હતુ. મહિલાઓના આત્મ સન્માનના હિમાયતી ગાયકવાડના પ્રદેશમા આ રીતે મહિલા સભ્યોના વસ્ત્રો ફાટે તે વાત જ અમરેલી માટે શરમજનક છે.

સાત સભ્યો ઘાયલ થતા સારવારમાં : ચીફ ઓફિસર પર હુમલો થતા કર્મચારીઓ વિજળીક હડતાલ પર : સામસામી રજૂઆતો અને ફરિયાદ

મહિલા સદસ્યના કપડા ફાટતાં ગાયકવાડની ભૂમિને લાગ્યંુ લાંછન

અમરેલી | અમરેલી નગરપાલિકાની આજે મળેલી સાધારણ સભા કોઇ ચર્ચા વગર માત્ર પાંચ જ મિનીટમા પુર્ણ કરી દેવાના મુદે કોંગ્રેસના સભ્ય અને કોંગ્રેસમાથી બળવાખોરી કરી સતામા બેઠેલા સભ્યો વચ્ચે છુટી ખુરશીઓના ઘા કરી મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. લોકશાહી પ્રક્રિયાને લાંછન લગાડનારી આ ઘટનામા સાત સભ્યો ઘાયલ થયા હતા અને સભામાં ખુરશી ઉડતા મહિલા સભ્યના કપડા પણ ફાટી ગયા હતા. ઘટનાને પગલે પાલિકા કર્મચારીઓ વિજળીક હડતાલ પર ઉતરી ગયા છે. તો ઘાયલ સભ્યોએ પ્રમુખ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું

જુદાજુદા 93 મુદાઓને લઇને આજે અમરેલી પાલિકાની સામાન્ય સભા સવારે 11 કલાકે પ્રમુખની ચેમ્બરમા મળી હતી. કોંગ્રેસમા બળવાખોરી કરનાર જયંતીભાઇ રાણવા પ્રમુખ પદે છે. મિટીંગ શરૂ થતા જ હાજરી પત્રકમા તમામ સભ્યોની સહી લેવાઇ હતી. અને પાંચ જ મિનીટમા પ્રમુખ દ્વારા મિટીંગ પુર્ણ જાહેર કરી દેવાઇ હતી. પાલિકા સદસ્ય સંદિપ ધાનાણી અને અન્યએ આ મુદા પર ચર્ચા કરવામા આવે તેવી માંગ કરી હતી. જયારે પ્રમુખે કયા મુદે ચર્ચા કરવી છે તે લેખિતમા આપવા માંગ કરી હતી. જે મુદે બોલાચાલી થતા બઘડાટી બોલી હતી. મહિલા સદસ્યોની હાજરીમા જ બેફામ ગાળાગાળી થતા ખુરશીઓ ઉછળવા લાગી હતી.પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પર પણ ખુરશીઓના ઘા થયા હતા. તો સામાપક્ષે કોંગ્રેસના સભ્યો પર પણ સતાધારી પક્ષ તરફથી ખુરશીઓ વિંઝાઇ હતી. જેના કારણે બાલુબેન દિનેશભાઇ પરમાર, રીટાબેન કૌશિકભાઇ ટાંક, સમીનાબેન અલ્તાફભાઇ સંધાર, જસુબેન ચંદુભાઇ બારૈયા, રમેશભાઇ ભુરાભાઇ સહિત સાત સભ્યો ઘાયલ થયા હતા. જે તમામને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા છે. મોડી સાંજે તેમણે પ્રમુખ સહિતના સભ્યો સામે પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. બીજી તરફ ચીફ ઓફિસર પર પણ હુમલો થયાની જાણ થતા પાલિકાના તમામ સભ્યો હડતાલ પર ઉતરી ગયા હતા. તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પણ કલેકટર કચેરી અને પોલીસ મથકે રજુઆત માટે દોડી ગયા હતા. અમરેલી પાલિકામા આજની સભામા લોકશાહીના ચીરણહરણ જેવા દ્રશ્યો સર્જાતા શહેરભરમા ચકચાર મચી હતી. અમરેલી નગરપાલિકાના તમામ કર્મચારીઓએ ચીફ ઓફિસર પર હુમલો થતા અચૌક્કસ મુદતની વિજળીક હડતાલ પાડી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતુ અને પાલિકાના વહિવટી વડા પર હુમલો થયો હોય તમામ કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

અમારી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલાયા: પ્રમુખ

પાલિકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાએ પત્રકારોને જણાવ્યું હતુ કે ખુરશીઓના ઘા કરનારા સભ્યોએ અમારી જ્ઞાતિ પ્રત્યે પણ અપશબ્દો બોલી મહિલાઓની હાજરીમા ગાળો દીધી હતી. તેમણે સભા પુર્ણ થયા બાદ હંગામો કર્યો હતો. તેમણે ઓફિસમા પણ તોડફોડ કરી હતી. આ ગુંડાગીરી છે. જે નહી ચલાવાય.

ધાનાણીના કૌટુંબિક ભાઇ છે સંદિપ ધાનાણી

અમરેલી પાલીકાના સદસ્ય સંદિપભાઇ ધાનાણી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના કૌટુંબિક ભાઇ છે. થોડા દિવસ પહેલા તેમણે પાલિકા સતાધીશો સામે વિકાસ કામોને લઇને આમરણાંત ઉપવાસ પણ શરૂ કર્યા હતા. હાલ સામાન્ય સભામાં 93 પ્રશ્નોના ઠરાવ મુદ્દે બઘડાટી બોલતા શહેરભરમાં ચર્ચા જાગી છે.

લોકશાહીનું ચિરહરણ| સેવા માટે ચૂંટાયેલા સભ્યોએ "મેવા’ માટે બિહારવાળી કરી

અમરેલીનાં અ સભ્યો !

પાલિકાની સભામા કોંગ્રેસના સભ્યોએ સામસામી ખુરશીઓ ફેંકતા નાસભાગ મચી ગઇ હતી. ચીફ ઓફિસર અને પ્રમુખ સહિતના સભ્યો બહારની તરફ ભાગ્યા હતા. તે સમયે પણ પાલિકા સદસ્ય પતાંજલ કાબરીયાએ દરવાજા તરફ ખુરશી ફેંકી હતી. બહાર ઉભેલા લોકોએ તેનો વિડીયો ઉતારી વાયરલ પણ કર્યો હતો. આ અફડાતફડી સમયે અન્ય સભ્યો પણ હાંકળાફાંફળા બની બહાર દોડતા નજરે પડયા હતા. ઘટના બાદ પ્રમુખની ચેમ્બરમા તમામ ખુરશીઓ આમથી તેમ ફેંકાયેલી નજરે પડી હતી. તસ્વીર- જયેશ લીંબાણી

ખરો મુદ્દો ચર્ચાનો નહી પણ સત્તાનો હોવાની ચર્ચા

અમરેલી પાલિકાની આજની બઘડાટી પાછળ ખરેખર તો વિકાસ કામોના મુદે ચર્ચા નહી પરંતુ સતાનો ખેલ હોવાનુ નગરના લોકો સ્પષ્ટપણે માની રહ્યાં છે. 44માથી 35 સભ્યો હોવા છતા કોંગ્રેસ પાસે એક રીતે કોઇ સતા નથી. કારણ કે બહુમતી બળવાખોરી કરનારા સભ્યોની છે. અને મનમાની પણ તેમની જ ચાલી રહી છે.

ઠરાવ પસાર થતા સભ્યોએ હંગામો કર્યો: ચીફ ઓફિસર

અમરેલી પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે સભા શરૂ થયા બાદ 24 વિરૂધ્ધ 18 મતે ઠરાવો પસાર થતા કેટલાક સભ્યોએ હંગામો કરી પ્રમુખ અને અન્ય સભ્યો પર ખુરશીઓ ફેંકી હતી. મને ઇજા પહોંચી નથી. પરંતુ કર્મચારીઓની સલામતી માટે પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.

8 સભ્યો સામે પાલિકા પ્રમુખે નોંધાવી ફરિયાદ

અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાએ મોડેથી આ બારામા સંદિપ ધાનાણી, હંસાબેન જોષી, પતાંજલ કાબરીયા, ઇકબાલ બીલખીયા, માધવીબેન જોષી, ચંદ્રિકાબેન સોળીયા, પ્રકાશ લાખાણી અને નાન બીલખીયા સામે નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે તેમને તથા ચીફ ઓફિસર, પ્રમુખ અને કંચનબેન વાઘેલાને ખુરશીઓ મારી હતી. તથા તોડફોડ કરી 10 હજારનુ નુકશાન કર્યુ હતુ.

શું છે અમરેલી નગરપાલિકામાં સભ્યોનું ગણિત ?

પાલિકાના 44 પૈકી 35 સભ્યો કોંગ્રેસના છે. 6 ભાજપના અને 3 અપક્ષ સભ્યો છે. જો કે થોડા સમય પહેલા પ્રમુખ પદની ચુંટણીમા કોંગ્રેસના 15 સભ્યોએ બળવાખોરી કરી ભાજપ અને અપક્ષની મદદથી સતા હાંસલ કરી છે. આજની સભામા સતાધારી પક્ષના તમામ 24 સભ્યો હાજર હતા જયારે કોંગ્રેસના 20માથી 18 સભ્યો હાજર હતા. તમામ 93 ઠરાવ 24 વિરૂધ્ધ 18 મતે પાસ કરાયા હતા.

વિડીયો રેકોર્ડિંગ માટે લેખિત જાણ કરી હતી: સંદિપ ધાનાણી

સદસ્ય સંદિપ ધાનાણીએ જણાવ્યું હતુ કે ચીફ ઓફિસરથી લઇ નિયામક સુધી આખી સભાનુ વિડીયો રેકોર્ડિંગ કરવા જણાવ્યું હતુ પરંતુ તેમ ન કરતા માત્ર સહીઓ લઇ સભા પુરી કરી હતી. મહિલા સભ્યોની હાજરીમા સતાધીશોએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. એક મહિલા સદસ્ય ઉપરાંત આદિવાસી સભ્ય રમેશભાઇ ભુરાભાઇના કપડા ફાડી નાખ્યા હતા.મને ધક્કો મારી પછાડી દીધી: મહિલા સદસ્ય

અમરેલી પાલિકા સદસ્ય બાલુબેન ડી.પરમારે જણાવ્યું હતુ કે અમે અગાઉ તમામ 93 મુદાની ચર્ચા કરવા માટે લેખિતમા માંગ કરી હતી. છતા પાંચ મિનીટમા જ સભા પુર્ણ કરી સતાધારીઓએ હંગામો કર્યો હતો અને મને ધક્કો મારી પછાડી દીધી હતી અને ખુરશીનો ઘા મારી કપડા ફાડયા હતા.

X
Amreli - અમરેલી | ‘મે આ અમરેલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App